આણંદ ખાતેની સ્ટેટ રેન્કિંગ ટીટીમાં અંડર-19માં આયુષ અને અંડર-17માં અભિલક્ષ વિજેતા


ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના નેજા હેઠળ અને આણંદ ડિસ્ટ્રિક્ટટ ટેબલ ટેનિસ એસોસિયેશન (એડીટીટીએ)ના ઉપક્રમે 10થી 13મી જુલાઈ દરમિયાન અહીંના યુગપુરુષ વિવેકાનંદ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ (બાકરોલ, આણંદ)ખાતે આયોજિત રોટોમેગ ત્રીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025માં અમદાવાદના બીજા ક્રમાંકિત ચિત્રાક્ષ ભટ્ટે શાનદાર રમત દાખવી વડોદરાના પ્રથમ માદલાણીને 4-1 હરાવવાની સાથે મેન્સ ટાઇટલ જીતી લીધું હતું.
ફાઇનલમાં આસાન વિજય સાથે ચિત્રાક્ષે ફરીથી ટ્રોફી હાંસલ કરી હતી. અગાઉ ભાવનગર ખાતે યોજાયેલી પ્રથમ સ્ટેટ ટેબલ ટેનિસ ઇવેન્ટમાં તેણે મેન્સ ટાઇટલ જીત્યું હતું.
ટુર્નામેન્ટ બાદ માનવંતા અતિથિઓ શ્રી યોગેશભાઈ પટેલ (એમએલએ-આણંદ), શ્રી અજય શેઠ (આસિ. જનરલ મેનેજર, અમુલ), શ્રી હરિ પિલ્લાઈ (માનદ સચિવ, જીએસટીટીએ), શ્રી કાંતિભાઈ ભુવા (પ્રેસિડેન્ટ,એટીટીએ), શ્રી પ્રવીણભાઈ સિરસિયા (એમડી- યુનિક પ્રા. લિ.) અને શ્રી પથિક મહેતા (જીએસટીટીએની પસંદગી સમિતિના ચેરમેન)ની હાજરીમાં ઇનામ વિતરણ સમારંભ યોજાયો હતો.
અંડર-19 બોયઝની રોમાંચક બનેલી ફાઇનલમાં આઠમા ક્રમના આયુષ તન્નાએ (સુરત) શાનદાર વળતી લડત આપીને સાતમા ક્રમાંકિત અમદાવાદી ખેલાડી હિમાંશ દહિયાને 4-2થી હરાવીને વર્તમાન સિઝનનું પ્રથમ ટાઇટલ જીતી લીધું હતું.
મોખરાના ક્રમના અભિલક્ષ પટેલ (અમદાવાદ)ને અંડર-17 બોયઝ ટાઇટલ જીતવામાં સંઘર્ષ કરવો પડ્યો હતો જેને અંતે તેણે આર્ય કટારિયાને 3-1 હરાવ્યો હતો.
વિમેન્સ સેમિફાઇનલમાં બીજા ક્રમની ઓઇશિકી જોઅરદારે (અમદાવાદ) ત્રીજા ક્રમની સુરતી ખેલાડી ફિલઝાહ ફાતેમા કાદરીને 4-2થી હરાવીને સિઝનની બીજી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જ્યાં તેનો મુકાબલો મોખરાના ક્રમની ગાંધીનગરની રાધાપ્રિયા ગોયેલ સામે થશે જેણે સુરતની ફ્રેનાઝ ચિપીયાને 4-2થી હરાવી હતી.
પરિણામોઃ
મેન્સ ફાઇનલઃ ચિત્રાક્ષ ભટ્ટ જીત્યા વિરુદ્ધ પ્રથમ માદલાણી 11-5, 11-8, 7-11, 14-12, 11-8. સેમિફાઇનલઃ પ્રથમ માદલાણી જીત્યા વિરુદ્ધ અભિલાષ રાવલ 11-7, 11-7, 13-11, 5-11, 11-6; ચિત્રાક્ષ ભટ્ટ જીત્યા વિરુદ્ધ રિયાન દત્તા 11-7, 11-6, 03-11, 11-7, 11-7.
બોયઝ અંડર-19 ફાઇનલઃ આયુષ તન્ના જીત્યા વિરુદ્ધ હિમાંશ દહિયા 11-5, 11-8, 6-11, 0-11, 11-9, 11-5. સેમિફાઇનલઃ આયુષ તન્ના જીત્યા વિરુદ્ધ ધ્યેય જાની 10-12, 11-7, 11-9, 8-11, 11-4; હિમાંશ દહિયા જીત્યા વિરુદ્ધ અભિલક્ષ પટેલ 11-2, 15-13, 7-11, 16-14.
અંડર-17 બોયઝ ફાઇનલઃ અભિલક્ષ પટેલ જીત્યા વિરુદ્ધ આર્ય કટારિયા 11-9, 11-5, 11-13, 11-9. સેમિફાઇનલઃ અભિલક્ષ પટેલ જીત્યા વિરુદ્ધ માલવ પંચાલ 7-11, 11-8, 11-4, 11-1; આર્ય કટારિયા જીત્યા વિરુદ્ધ તક્ષ કોઠારી 11-9, 11-8, 11-13, 9-11, 11-8.
વિમેન્સ સેમિફાઇનલઃ ઓઇશિકી જોઅરદાર જીત્યા વિરુદ્ધ ફિલઝાહ ફાતેમા કાદરી 7-11, 11-3, 11-7, 11-4, 9-11, 11-6; રાધાપ્રિયા ગોયેલ જીત્યા વિરુદ્ધ ફ્રેનાઝ ચિપીયા 6-11, 11-5, 8-11, 11-9, 11-9, 11-6.