સીમકાર્ડના ખરીદ વેચાણ ઉપર કાનૂની નિયંત્રણ લઈને જાહેરનામું જારી કરાયું
રાજ્યમાં બનતા ગુનાઓમાં મોબાઈલ ફોન તેમજ ખોટા નામે લીધેલા સીમકાર્ડના ઉપયોગ થાય છે. મોબાઈલ ફોન નેટવર્ક ધરાવતી દરેક કંપનીઓ તરફથી સીમકાર્ડ વેચવા કે ખરીદવા પર કોઈ ચોક્કસ પ્રકારની નીતિનું પાલન કરવામાં આવતું નથી. આ અંગે મોબાઈલ કંપનીને સોંપવાના થતા દસ્તાવેજોની પણ યોગ્ય ખરાઈ કરવામાં આવતી નથી. સ્થાનિક પોલીસ તરફથી અવાર નવાર મોબાઈલ સીમકાર્ડ વેચતા ડીલર, ફેરીયાઓને ચેક કરવામાં આવતાં તેઓ પાસે સીમકાર્ડ વેચાણ અંગેના કોઈ દસ્તાવેજી આધારો પોતાની પાસે રાખતા નથી કે ક્યા દસ્તાવેજ ધારકને ક્યુ સીમકાર્ડ આપવામાં આવેલું છે તે અંગેની માહિતી તેઓ પાસે રહેતી નથી.
જેથી વર્તમાન સંજોગોમાં રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને લઈ કચ્છ જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી સીમકાર્ડના ખરીદ તથા વેચાણ કરનાર ઉપર કાયદાકીય નિયંત્રણ હોવું અતિ જરૂરી છે.
જેથી કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલા તમામ મોબાઈલ ફોન સર્વિસ પ્રોવાઈડર કંપનીઓ, તેના ડીસ્ટ્રીબ્યુટર્સ, જથ્થાબંધ વેપારી અને રીટેઈલ વેપારીઓએ સીમકાર્ડના ખરીદ અને વેચાણ અંગે જાહેરનામાંનું પાલન કરવાનું રહેશે.
મોબાઈલ કંપનીઓ તરફથી વેચાણ માટે ડીસ્ટ્રીબ્યુટર્સ કે જથ્થાબંધ વેપારીઓને આપવામાં આવતા સીમકાર્ડના નંબરોનું રજિસ્ટર એરીયાવાઈઝ ડીસ્ટ્રીબ્યુટર્સે અને જથ્થાબંધ વેપારીઓએ નિભાવવું પડશે. ડીસ્ટ્રીબ્યુટર્સ કે જથ્થાબંધ વેપારીઓ તરફથી રીટેલરોને વેચાણ માટે આપવામાં આવતા સીમકાર્ડના નંબરોનું રજિસ્ટર રીટેલરોએ પણ નિભાવવું, જેમાં જે તે નંબર કઈ વ્યક્તિને વેચવામાં આવેલો છે. સાથોસાથ તે માટે જે દસ્તાવેજો લેવામાં આવેલા હોય તેની પણ નોંધ કરવી. મોબાઈલ કંપનીઓએ તેમના સીમકાર્ડનું વેચાણ કરતા ડીસ્ટ્રીબ્યુટર્સ અને તેના રીટેલરોની યાદી તેઓના કંપની કોડ સાથેની નજીકના પોલીસ સ્ટેશન તેમજ પોલીસ અધિક્ષકશ્રીની કચેરીએ મોકલી આપવી તેમજ આ યાદીમાં ફેરફાર થાય તો તેની પણ જાણ કરવી. સીમકાર્ડ ખરીદવા આવનાર વ્યક્તિ જે દસ્તાવેજો આપે છે તે દસ્તાવેજોની પ્રાથમિક ચકાસણી કરવી અને રીટેલરની જવાબદારી હોઈ તે દસ્તાવેજો જેવા કે ફોટો આઈડી ધરાવતા દસ્તાવેજો સાથે અલગથી આપવામાં આવતા પાસપોર્ટ સાઈઝના ફોટાની સરખામણી કરવી. મોટાભાગે દસ્તાવેજોની ખરાઈ માટે ખાનગી પેઢીઓને કોન્ટ્રાક્ટ સોંપવામાં આવે છે. આવા સંજોગોમાં તેવા લોકોની પુરેપુરી માહિતી સ્થાનિક પોલીસને મોબાઈલ કંપનીઓએ સોંપવી. મોબાઈલ સીમના ડીસ્ટ્રીબ્યુટર્સ સીમકાર્ડના વેચાણ અર્થે સીમકાર્ડ, કોઈપણ ફેરીયા કે પાનના ગલ્લાવાળાઓને આપતા હોવાનું જણાઈ આવેલું છે. જે ખૂબ જ ગંભીર બાબત છે. જેથી આવા સીમકાર્ડનું વેચાણ ફક્ત નગરપાલિકા કે ગ્રામપંચાયતમાં શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ નોંધાયેલ લાયસન્સ ધારકને જ વેચવા આપે તેવી વ્યવસ્થા કરવી. મોબાઈલ કંપનીઓએ કોઈપણ મોબાઈલ સીમકાર્ડનું એક્ટીવેશન કરતા પહેલા સીમકાર્ડ ખરીદનારે આપેલા દસ્તાવેજોની યોગ્ય ચકાસણી કર્યા બાદ જ સીમકાર્ડ એક્ટીવ કરવું.
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૨૧૫ની આદેશાત્મક જોગવાઈઓ ધ્યાને લઇ આ જાહેરનામાના ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે આ જાહેરનામા હેઠળ તપાસ કરવાનાં, જાહેરનામાનાં પાલન કરાવવાનાં અને તપાસનાં અંતે ફરીયાદ રજૂ કરવાના અધિકાર જિલ્લાનાં પોલીસ અધિકારીશ્રીઓ તેમજ હેડ કોન્સ્ટેબલ કે તે ઉપરના કર્મચારીઓને રહેશે. આ હુકમ સમગ્ર કચ્છ જિલ્લાના સમગ્ર વિસ્તાર માટે લાગુ પડશે. તા.૧૨/૦૯/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
અંજના ભટ્ટી