કચ્છની પી.એમશ્રી જવાહર નવોદય વિદ્યાલય, ડુમરાના ૨૯ વિદ્યાર્થીઓની રમત-ગમતસ્પર્ધામાં રાષ્ટ્રીયકક્ષાએ પસંદગી


પી.એમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય ડુમરા શાળાનાં ૨૯ વિદ્યાર્થીઓએ નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા આયોજિત કલસ્ટર અને રીજિયોનલ રમત-ગમતમાં ભાગ લઈને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રાષ્ટ્રીયકક્ષાએ સિલેક્શન મેળવ્યું છે. જવાહર નવોદય શાળાના વિદ્યાર્થીઓએ કબડ્ડી, ખો-ખો, વોલીબોલ, ચેસ અને એથ્લેટીકસની વિવિધ રમતોમાં આ સિદ્ધિ હાંસલ કરી છે.
આ સિદ્ધિ બાદ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં પસંદગી પામેલા ૨૯ વિદ્યાર્થીઓ હવે છતીસગઢ, હિમાચલપ્રદેશ, ઓડીસા, ઉત્તરપ્રદેશ અને હરિયાણા ખાતે સ્પર્ધામાં ભાગ લઈને જે.એન.વી ડુમરા કચ્છનું પ્રતિનિધિત્વ કરશે. શાળાના પ્રાચાર્યશ્રી નારાયણસિંહ તથા નવોદય પરીવાર ડુમરા તરફથી પસંદગી પામેલા તમામ બાળકોને આગામી સ્પર્ધા માટે શુભકામનાઓ પાઠવવામાં આવી છે. બાળકોને માર્ગદર્શન અને તાલીમ માટે વ્યાયામ શિક્ષક યોગીતાબા ઝાલા અને સુનીલભાઈનો આચાર્યશ્રીએ આભાર વ્યક્ત કર્યો હતો તેમ પી.એમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય ડુમરા, અબડાસા, કચ્છ દ્વારા જણાવાયું છે.