“હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા : સ્વતંત્રતા સ્વચ્છતા કે સંગ”

“હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા સ્વચ્છતા કે સંગ” અભિયાન અંતર્ગત કચ્છમાં તા.૨/૮/૨૦૨૫થી ૧૫/૮/૨૦૨૫ દરમિયાન વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યા છે.

આ કાર્યક્રમના ભાગરૂપે જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તિરંગા સાથે રાષ્ટ્રીય ગૌરવ અને સ્વચ્છતા અંગેની જાગૃતિ ફેલાવવાના હેતુથી “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી રહી છે.

જે અંતર્ગત સરકારી માધ્યમિક શાળા લાખાપર ખાતે પત્ર લેખન સ્પર્ધા યાજાઈ હતી. જેમાં રાષ્ટ્રપ્રેમના વિષયો પર વિદ્યાર્થીઓએ પત્ર લેખન કર્યુ હતું તથા વિવિધ પ્રશ્નો પર ક્વિઝ સ્પર્ધાનું પર આયોજન કરવામાં આવ્યું હતું.  આ સાથે અન્ય શાળાઓ જેમ કે, મોડેલ સ્કૂલ દયાપર, સરકારી માધ્યમિક શાળા ભુજોડી તેમજ જૈનાચાર્ય શ્રી અજરામરજી ઉ.મા.શાળા ભુજ, મખાણા હાઈસ્કૂલ, શ્રી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા જખૌ, બીટા હાઇસ્કૂલ, શ્રી સરકારી માધ્યમિક શાળા મોડા, સેન્ટ ઝેવિયર્સ અંગ્રેજી મીડિયમ સ્કૂલ, રાપર, સરકારી હાઈસ્કૂલ જવાહરનગર, સરકારી હાઈસ્કૂલ ઢોરી સહિતની શાળા અને કચ્છ યુનિવર્સિટી ખાતે હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા અભિયાન હેઠળ સ્વતંત્રતા પર્વ અને ઓપરેશન સિંદૂર‌ સહિતના વિષય અંતર્ગત રંગોળી સ્પર્ધા, ક્વિઝ સ્પર્ધા સાથે જ રાખડી અને કાર્ડ બનાવી રક્ષાબંધન પર્વની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ દેશપ્રેમ, રાષ્ટ્રધ્વજનું મહત્વ, સ્વચ્છતા ઓપરેશન સિંદૂર અને એકતા જેવા વિષયો પર રંગોળીઓ બનાવી ઉત્સાહભેર ભાગ લીધો.

 આ સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓમાં દેશપ્રેમની ભાવના જાગૃત કરવા અને સ્વચ્છ ભારત માટે પ્રતિબદ્ધ કરવાનો એક સફળ પ્રયાસ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમોમાં જિલ્લાની શાળાઓના શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.