સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત


આજના વ્યસ્ત જીવનમાં પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બનીને શરીર માટે સમય કાઢવો એ અશક્ય બાબત બનતી જાય છે. બદલાતી જતી જીવનશૈલી અને ખોરાકની ખોટી પદ્ધતિથી લોકો આજે અનેક રોગોથી પીડાય છે. બેઠાડું જીવન, ફાસ્ટફૂડના સેવનથી વધતું વજન એટલે શારીરિક અને માનસિક રોગોને આમંત્રણ આપવા સમાન છે. હરીફાઈના યુગમાં વિદ્યાર્થીઓને કારકિર્દી બનાવવા માટે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય આવશ્યક છે પરંતુ સ્વાદના ચટાકા સાથે લેવામાં આવતા મસાલેદાર ખોરાકથી આજે પ્રત્યેકનું સ્વાસ્થ્ય ખરાબ થઇ રહ્યું છે. જીમ જવું, કસરત કરવી, યોગ ક્લાસમાં જવાનો સમય રહેતો નથી ત્યારે કચ્છના સામત્રા ગામના રહેવાસી ખુશીબેન સામંતભાઈ રબારી ઘર બેઠા યોગ્ય કસરત કરીને ૭ થી ૮ કિલો વજન ઉતારી મેદસ્વિ મુક્ત બની સ્વાસ્થ્ય મેળવી પોતાની કારકિર્દીના લક્ષ્યમાં આગળ વધી રહ્યાં છે.
ખુશીબેન જણાવે છે કે, શરૂઆતના સમયમાં તેઓને ફાસ્ટફૂડ ખાવાનો શોખ હતો તેથી તેઓ બજારના ચટાકેદાર મસાલાવાળા ખોરાકનું અતિ સેવન કરતા હતાં. જેના કારણે ઓછા સમયમાં જ તેમનો વજન વધી ગયો હતો. પેકેટ ફૂડ અને મેંદાની બનાવટથી એક સમયે પેટની તકલીફ થવા લાગી હતી. વધતાં વજન સાથે વધતી પેટની તકલીફોના કારણે માનસિક રીતે પણ અસ્વસ્થતા જણાતી હતી. વજનનો વધારો એક પ્રકાર તણાવ પણ સાબિત થવા લાગ્યો હતો અને તેમના અભ્યાસમાં પણ અવરોધ આવવા લાગ્યો હતો. તેથી વધતું વજન તેમની કારકિર્દીમાં બાધારૂપ બનવા લાગ્યું હતું.
વધુમાં તેઓ જણાવે છે કે, વધતા વજનની સમસ્યાથી કંટાળીને એક દિવસ મેં ઘરે બેઠા જ યોગ વ્યાયામ, કસરત અને ધ્યાન કરવાનું શરૂ કર્યું. જીમ કે યોગ ક્લાસમાં જોડાયા વિના જાતે જ સતત યોગ્ય કસરત અને તાસીર અનુસાર આહારના “ડાયટ પ્લાન”ને અનુસરીને ૭ થી ૮ કિલો વજન ઉતાર્યું છે. નિયમિતતા સાથે કરવામાં આવતાં યોગ વ્યાયામ થકી વજન ઉતારવા સાથે એકાગ્રતામાં પણ વધારો થયો છે. જેના કારણે મારી અભ્યાસ ક્ષમતામાં પણ સુધરી છે.
વધુમાં તેઓ ઉમેરે છે કે, રાજ્ય સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવતા મેદસ્વિતા મુક્ત અભિયાન અંતર્ગત આજના યુવાનો યોગ્ય આહાર લઈ મેદસ્વિતાથી દૂર રહી પોતાની કારકિર્દી માટે આવશ્યક શારીરિક અને માનસિક સ્વાથ્ય જાળવી રાખે. સાતત્યપૂર્વક યોગ ધ્યાન કરીને ઘરે બેઠા સ્વાસ્થ્યની જાળવણી કરીએ તેમ ખુશીબેને જણાવ્યું હતું.
–જિજ્ઞા પાણખાણીયા