આવતીકાલે ૧૪ ઓગસ્ટના સવારે ભુજમાં જ્યુબિલી ગ્રાઉન્ડથી હમીરસર તળાવ સુધી વિશાળ તિરંગા યાત્રા યોજાશે
કચ્છમાં જિલ્લાકક્ષાની તિરંગા યાત્રા તા.૧૪/૦૮/૨૦૨૫ના રોજ સવારે ૦૮.૦૦ કલાકથી જ્યુબિલી ગ્રાઉન્ડથી કચ્છમિત્ર સર્કલ, બસ સ્ટેન્ડ, ઑલ્ફ્રેડ હાઈસ્કૂલ થઈને હમીરસર તળાવ સુધી યોજાશે. આ વર્ષે હર ઘર તિરંગા-૨૦૨૫ કાર્યક્રમની ઉજવણીની થીમ હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંગ” રાખવામાં આવી છે. કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભુજ ખાતે આયોજિત તિરંગા યાત્રામાં સરકારના વિવિધ વિભાગો, સેવાભાવી સંસ્થાઓ, ડીફેન્સની વિવિધ પાંખ, વિદ્યાર્થીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
ભુજ સહિત તાલુકાકક્ષાએ આયોજિત તિરંગા યાત્રામાં નાગરિકોને મોટી સંખ્યામાં હાજરી આપવા કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ દ્વારા અનુરોધ કરાયો છે. સૌ નાગરિકો તિરંગા યાત્રામાં ઉત્સાહથી ભાગ લે અને પોતાના ઘર, દુકાનો તેમજ કોમર્શિયલ એકમો પર તિંરગો લહેરાવે તેમ અપીલ કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે. કચ્છના વિવિધ પદાધિકારીશ્રીઓ સહિત શીર્ષ અધિકારીશ્રીઓ હર ઘર તિંરગા અભિયાન અંતર્ગત આયોજિત તિરંગા યાત્રામાં સહભાગી બનશે.
સેવાભાવી સંસ્થાઓ જેવી કે બી.એ.પી.એસ, ઈન્ડિયન રેડક્રોસ, આર.એસ.એસ, શહેરના વેપારી મંડળો, ચેમ્બર્સ ઓફ કોમર્સ, શિક્ષણ સંઘ સહિત હોમગાર્ડ, એરફોર્સ, આર્મી, બી.એસ.એફ, કચ્છ યુનિવર્સિટી, ભુજ નગરપાલિકા અને અનેક નામી-અનામી સંસ્થાઓ તિરંગા યાત્રામાં ઉત્સાહથી ભાગ લેશે.