રાષ્ટ્રવાદની ભાવના સાથે ‘વંદે માતરમ્’ અને ‘ભારત માતા કી જય’ના નાદ સાથેગુંજી ઉઠી કચ્છની ગલીઓ


“હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા સ્વચ્છતા કે સંગ” અભિયાન સાથે રાજ્યમાં હાલમાં ઉત્સાહભેર વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ કચ્છમાં સ્વતંત્રતા સપ્તાહની ઉજવણી અંતર્ગત વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત આજરોજ કચ્છના વિવિધ ગામોમાં અને શાળાઓમાં દેશભક્તિભર્યા વાતાવરણમાં ભવ્ય રીતે તિરંગા યાત્રા યોજાઈ હતી. જેમાં રાષ્ટ્રવાદની ભાવના સાથે ઉમળકાભેર લોકો સહભાગી બન્યા હતાં. વંદે માતરમ્ અને ભારત માતા કી જયના નાદ સાથે કચ્છની ગલીઓ ગુંજી ઉઠી હતી.
જે અંતર્ગત લૂણી પ્રાથમિક શાળા મુન્દ્રા, જખૌ પ્રાથમિક શાળા, શ્રી સરકારી માધ્યમિક શાળા ગુનેરી, જી.એન. ભદ્રા હાઈસ્કૂલ તેરા, પાટીદાર કન્યા વિદ્યાલય ભુજ, મોડેલ સ્કૂલ- નલિયા અને અબડાસા તથા માધાપર, મિરઝાપર, નારાણપર, નલીયા, કુકમા, વાંઢાઈ, બિદડા, મંજલ કપુરાશી સહિતના ગામમાં તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. આ સાથે ખાવડા ખાતે BSFની ૮૫ બટાલિયન અને પોલીસના સંયુક્ત ઉપક્રમે હર ઘર તિરંગા સાયકલ રેલી યોજાઇ હતી.
આ તિરંગા યાત્રામાં બહોળી સંખ્યામાં નાગરિકો, જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, શિક્ષકશ્રીઓ, વિવિધ કચેરીઓના કર્મયોગીશ્રીઓ, શાળાના વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ તેમજ નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા.