મેદસ્વિતામાં ઉપવાસમાં ખવાતી ફરાળી વાનગીઓ કેટલી જવાબદાર…??

copy image

copy image

આપણે શ્રાવણનો મહિનો આવે એટલે ઉપવાસની સાથે ફરાળી વાનગીઓનો ફેસ્ટિવલ પણ શરૂ થઈ જાય..એક બાજુ ઉપવાસ, બીજી બાજુ સાબુદાણાની ખીચડી, ફરાળી વેફર, ચેવડો, અને હવે તો ફરાળી પિઝા, ફરાળી બર્ગર અને ફરાળી ફૂલ થાળીનો જમાનો…! ઉપવાસનું નામ સાંભળીને લાગે કે શરીર હળવું થશે, મન શાંત થશે, પણ આખો દિવસ ફરાળી ફિયેસ્ટામાં ડૂબી જઈએ એટલે ધાર્યા કરતા વળવા પરીણામ …! આ ફરાળી ખોરાક શું ખરેખર આપણને ફિટ રાખે છે..? કે મેદસ્વિતામાં વધારો કરવામાં ભાગ ભજવે છે..??


ઉપવાસ એટલે શું? શરીર અને મનનું શુદ્ધિકરણ, ખરું ને? પણ આપણા ઘરોમાં ઉપવાસનો મતલબ એક નવું મેનૂ..! સાબુદાણાની ખીચડીમાં ઢગલો સીંગદાણા, બટાકાની ચિપ્સ, રાજગરાની પુરી, અને ફરાળી ઢોકળા સાથે દહીં ! હવે તો બજારમાં ફરાળી પિઝા અને ફરાળી ચાટ પણ મળે છે, જે ખાઈને લાગે કે ઉપવાસ સાથે પણ ફૂડ ફેસ્ટિવલ ચાલે છે….આ બધું ખાઈને શરીર હળવું થવાને બદલે વજનકાંટા પર ચડવા માંડે છે…..


ફરાળી ખોરાકની ખાસિયત એ છે કે એ સ્વાદમાં લાજવાબ હોય છે, પણ કેલરીમાં પણ એટલો જ આગળ! સાબુદાણો, બટાકા, અને રાજગરાનો લોટ બધું જ કાર્બોહાઈડ્રેટથી ભરપૂર. એમાં ઘી-તેલનો તડકો અને સીંગદાણાની ચટપટી ચમક ઉમેરાય એટલે એક નાની પ્લેટ ખીચડી પણ ૫૦૦ કેલરીનો ધડાકો કરે. ઉપવાસ દરમિયાન ઘણા લોકો એક ટાઈમ જમે છે, પણ એ એક ટાઈમમાં એટલું ખાઈ લે છે કે રોજના ભોજન કરતાં વધુ કેલરી શરીરમાં ગોઠવાઈ જાય.
ફરાળી વાનગીઓ ખાવાથી મનને ખુશી તો મળે છે, પણ એ ખુશી બે દિવસ પછી વજનકાંટા પર ગિલ્ટમાં ફેરવાઈ જાય છે. ઉપવાસનો હેતુ છે આત્મ-નિયંત્રણ, પણ ફરાળી ઢોકળા અને મખાના ખીરની લાલચમાં એ નિયંત્રણ ક્યાંક ખોવાઈ જાય છે. બીજી બાજુ, આ વાનગીઓ ખાવાથી પેટ ભરેલું રહે છે, જેનાથી મન શાંત અને સંતુષ્ટ રહે છે. પણ, જો આપણે ઉપવાસના નામે ફરાળી ફેસ્ટિવલમાં ડૂબી જઈએ, તો મનની શાંતિ કરતાં પેટની મુશ્કેલીઓ વધે છે..

ગુજરાત સરકારનું ‘મેદસ્વિતા મુક્ત અભિયાન’ લોકોને હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવવા પ્રોત્સાહિત કરે છે, ફરાળી વાનગીઓમાં બટાકા, સાબુદાણા અને તળેલી વસ્તુઓનું પ્રમાણ વધુ હોય છે, જે કેલરીનો ખજાનો છે. એક પ્લેટ સાબુદાણાની ખીચડી કે રાજગરાની પુરી ખાઈએ, તો શરીરમાં હળવાશને બદલે વજનનો ભાર વધે છે.

જો ઉપવાસમાં ફળો, દૂધ, બીટ રાયતું કે હળવો ખોરાક લેવામાં આવે, તો શરીર હળવું રહે અને મેદસ્વિતા ઘટાડવામાં મદદ મળે.


     ઉપવાસ એ ધાર્મિક અને આધ્યાત્મિક પ્રક્રિયા છે, તો આ શ્રાવણમાં ચાલો થોડી ભક્તિ, થોડી શાંતિ અને થોડી સંયમની થાળી સજાવીએ, જેથી શરીર અને મન બંને હળવાં રહે..