“વિભાજન વિભિષિકા” સ્મૃતિ દિવસે ભાજપ દ્વારા મશાલ રેલી, પ્રદર્શની અને કાર્યકર સભા યોજવામાં આવી


14 મી ઓગસ્ટ એટલે વિભાજન વિભિષિકા દિવસ. આ દિવસે ભારતનું વિભાજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં માનવ વિસ્થાપન તેમજ બળજબરીપૂર્વક સ્થળંતર કરાવવા સહીતની અનેક પીડાદાયક ઘટનાઓ ભારતવર્ષનાના ઇતિહાસમાં ઘટી હતી. રાષ્ટ્રના ઇતિહાસના આ દુઃખદ વિષયો અંગેની માહિતી વક્તાઓ દ્વારા વિસ્તારથી આપવામાં આવી હતી.
આજરોજ વિભાજન વિભિષિકા દિવસ નિમિતે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદની આગેવાનીમાં લોહાણા મહાજન વાડીથી હમીરસર તળાવની સામે આવેલ પેન્શનર ઓટલા સુધીની એક વિશાળ મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં અગ્રણીઓ, કાર્યકરો અને નાગરિકો જોડાયા હતા. આ મશાલ રેલીમાં સૌના ચહેરા પર અખંડ ભારતના ભાગલાનું દર્દ સાફ છલકાતું હતું.
રેલીથી અગાઉ આ અંગે માહિતી આપવા એક પ્રદર્શની અને વકતવ્ય કાર્યક્રમ પણ જીલ્લા ભાજપના નેજા હેઠળ લોહાણા સમાજવાડીના હોલ મધ્યે રાખવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે આ દિવસ ભારત માટે કાળો દિવસ છે અને આ દિવસે બનેલી પીડાદાયક ઘટનાઓને લોકોના ધ્યાન પર મુકવાના આશયથી તેમજ વિભાજન વખતે જે જે લોકો એ યાતનાઓ વેઠીને પોતાના પ્રાણોની કુરબાની આપી છે તેવા શહીદો અને દિવંગતોને યાદ કરીને સ્મરણાંજલિ પણ અર્પણ કરવામાં આવી છે.
આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે પ્રદેશ ભાજપના આગેવાન અને મોરબી જીલ્લા ભાજપ પ્રભારી હિતેશભાઈ ચૌધરીએ સર્વેને વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે 14 મી ઓગસ્ટ 1947 ના દિવસે પંજાબ, સિંધ સહિત અનેક પ્રાંતોમાં ભારે કત્લેઆમ થયો હતો તેમજ કેટલાય લોકોને બળજબરીપૂર્વક સ્થળંતર કરવા મજબુર કરવામાં આવ્યા. આ રીતે આ વિભાજનનો દિવસ એ ભારત માટે કાળો દિવસ છે પરંતુ આઝાદી પછી અનેક દાયકાઓ સુધી આ દિવસને ભુલાવી દેવામાં આવ્યો હતો પરંતુ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ વિભાજન વિભિષિકા દિવસની દર્દનાક સ્મૃતિઓને પુનઃજીવિત કરીને કેવા કરુણ સંજોગોમાં આઝાદી મળી છે તેનાથી લોકોને સચોટ અને વાસ્તવિક માહિતી મળી રહે એ હેતુથી આજના દિવસે આ વિશેષ કાર્યક્રમ આયોજિત કરવામાં આવી રહ્યો છે.
આ દિવસ અંતર્ગત ભાગલા વખતે વિસ્થાપિત થયેલ નાગરિકો પૈકી સ્વરૂપસિંહ ચમનસિંહ સોઢા, સતીદાનસિંહ કરસનજી સોઢા, બહાદુરસિંહ વેજરાજસિંહ સોઢા, પ્રવિણસિંહ સોઢા, સુરોજી સોઢાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું તેમજ આ ઉપરાંત રાષ્ટ્ર રક્ષા કાજે ફરજ બજાવનાર પૂર્વ સૈનિકો જેવા કે રિટાયર્ડ એસએસબી જવાન હરદેવસિંહ જાડેજા, રીટાયર્ડ હોમગાર્ડ કમાન્ડન્ટ અને મુખ્યમંત્રી એવોર્ડ મેળવનાર સી.એમ. ગરોડા, પેરામીલીટરી અને એસએસબીના પૂર્વ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ ખીમજીભાઇ સોઢા તથા રિટાયર્ડ આર્મી મેન બલભદ્રસિંહ જાડેજાને પણ આ તબક્કે તેમની સેવાઓ અને અદકેરા રાષ્ટ્રપ્રેમ માટે અનહદ અહોભાવથી સન્માનવામાં આવ્યા હતા.
વિભાજન વિભીષિકા દિન અંતર્ગત ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી વાજપેયીજીની પ્રસિદ્ધ કવિતાનું ગાન જીલ્લા ભાજપ મંત્રી વિંજુબેન રબારી દ્વારા કરવામાં આવ્યું હતું. સર્વે મહાનુભાવો સહિત ઉપસ્થિતોએ જે તે સમયની પારાવાર જાનમાલની હાનિ અને ખાનાખરાબીનું સચોટ નિરૂપણ કરતું વિડિયો નિદર્શન પણ નિહાળ્યું હતું.
આ અગાઉ સર્વે આગેવાનોએ સમાજવાડીના હોલમાં વિભાજન વિભીષિકા દિવસની અસરો અને ઘટનાઓનું ચિત્ર નિરૂપણ કરતી એક પ્રદર્શની પણ નિહાળી હતી અને જાન ગુમાવનાર આપણા સ્વજનો, દેશવાસીઓને પુષ્પાંજલિ પણ પાઠવી હતી.
આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયત અધ્યક્ષ જનકસિંહ જાડેજા, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્યો પંકજભાઈ મહેતા, રમેશભાઈ મહેશ્વરી, જિલ્લા ભાજપ મહામંત્રીઓ દિલીપભાઈ શાહ, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, ધવલભાઈ આચાર્ય, સરહદ ડેરીના ચેરમેન વલ્લમજીભાઈ હુંબલ, કેડીસીસી બેન્ક ચેરમેન દેવરાજભાઈ ગઢવી, ભુજ નગરપાલિકાના પ્રથમ નાગરિક રશ્મિબેન સોલંકી, ભુજ શહેર ભાજપ પ્રમુખ મિતભાઈ ઠક્કર તેમજ ભુજ તાલુકા ભાજપ પ્રમુખ ભીમજીભાઇ જોધાણી મંચસ્થ રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન જીલ્લા ભાજપ મંત્રી અને હર ઘર તિરંગા અભિયાનના સહ ઇન્ચાર્જ વસંતભાઈ કોડરાણીએ કર્યું હતું જ્યારે આભારવિધિ વિભાજન વિભીષિકા કાર્યક્રમના ઇન્ચાર્જ અને ભુજ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ બાલકૃષ્ણભાઈ મોતાએ કરી હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી અને સહ ઇન્ચાર્જ ચેતન કતીરાની યાદીમાં જણાવાયું હતું.