વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીર ધ્વજવંદન કરી ત્રિરંગાને સલામી આપી


ઇ.સ.૧૯૧૩માં સંતરામપુર તાલુકામાં આવેલ માનગઢ હીલ્સ ખાતેનો સ્વાતંત્ર્ય સંગ્રામ એ માત્ર મહિસાગરનો જ નહી પરંતુ સમગ્ર ભારતની ભવ્ય પરંપરા અને ગૌરવશાળી ઇતિહાસ- ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીર
મહીસાગર જિલ્લામાં રમતવિરો, વિશિષ્ટ કામગીરી અને સિધ્ધિ ધરાવતા અધિકારી, કર્મચારી, વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માન કરાયા
મહીસાગર જિલ્લા કક્ષાના ૭૯માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્યાતિભવ્ય ઉજવણી લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીરએ રાષ્ટ્ર ધ્વજ લહેરાવી સલામી આપી હતી. અને ભારતને મહામૂલી આઝાદી અપાવનાર સર્વે નામી-અનામિ શહીદવીરોને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા.
આ પ્રસંગે વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીરએ ઉપસ્થિત તમામને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી જણાવ્યું હતું કે, ઇ.સ.૧૯૧૩માં સંતરામપુર તાલુકામાં આવેલ માનગઢ હીલ્સ ખાતેનો સ્વાતંત્ર્ય સંગ્રામ એ માત્ર મહિસાગરનો જ નહી પરંતુ સમગ્ર ભારતની ભવ્ય પરંપરા અને ગૌરવશાળી ઇતિહાસ છે. આ સંગ્રામમાં ગોવિંદ ગુરૂની રાષ્ટ્રભક્તિની પ્રેરણાથી અંગ્રેજો સાથે સ્થાનિકોનો સંઘર્ષ થયો જેમાં ગોવિંદ ગુરૂ સહિત ૧૫૦૭ જેટલા લોકો દેશ પ્રેમ માટે શહાદત્ત પામ્યા આ શહાદતની ઝાંખી કરાવતું માનગઢ ધામ આજે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
વધુમાં તેમણે જિલ્લાની વિવિધ યોજનાઓની વાત કરતાં જણાવ્યુ હતું કે, સરકારે અનેકવિધ કલ્યાણકારી કાર્યો કર્યા છે જેના થકી સર્વ જન હિતાય અને સર્વ જન સુખાયનો ઉદ્દેશ્ય સિદ્ધ થઈ રહ્યો છે.મહીસાગર જિલ્લામાં પણ સરકારના સતત વિકાસ કાર્યો દ્વારા અનેક લોકહિતના કાર્યો થયા છે. "પી.એમ.જે.એ.વાય–મા” યોજના હેઠળ કુટુંબ દીઠ વાર્ષિક ૧૦ (દશ) લાખ સુધીનું આરોગ્ય કવચ ધ્વારા હદયરોગ, કિડની,ડાયાલિસીસ, કેન્સર, આકસ્મિક સારવાર, ડીલીવરી, ન્યુરોસર્જરી જેવી નાની મોટી ગંભીર બિમારીમાં માન્યતા હોસ્પિટલમાં વિનામુલ્યે સેવા પુરી પાડવામાં આવે છે.
તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતની મહિલા આજે કમર્શિયલ પાયલોટ બની આકાશમાં ઉડાન ભરતી થઈ છે. સેવાના નીતનવા વિચારોને પોતાની ઉદ્યોગ સાહસિકતા વડે સાકાર કરી રહી છે. વિદેશ અભ્યાસ કરી વિષય તજજ્ઞ બની રહી છે. ગુજરાતની સિંગલ મધર હોય કે હોસ્ટેલમાં રહી ભણતી કે વ્યવસાય કરતી નારી, ગંગા સ્વરૂપા બહેનો, વડીલ માતાઓ તમામને પ્રગતિ સાધવાનું વાતાવરણ ગુજરાતમાં સર્જાયું છે. “ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના” અંતર્ગત મહીસાગર જીલ્લામાં છેલ્લા 01(એક) વર્ષમાં અંદાજે 30,400 ગંગા સ્વરૂપા મહિલા લાભાર્થીઓને પ્રતિ લાભાર્થી દીઠ માસિક રૂ.1250/- લેખે કુલ રૂ. 39.06 કરોડ જેટલી માતબર રકમ સીધી તેમના બેક/પોસ્ટ ખાતામાં ચૂકવવામાં આવેલ છે.
ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીર અને ઉપસ્થિત મહાનુભાવો હસ્તે રમતવીરો અને વિશિષ્ટ કામગીરી અને સિધ્ધિ ધરાવતા અધિકારી, કર્મચારી, વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માન કરાયું. ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીરના હસ્તે જિલ્લાના વિકાસ માટે લુણાવાડા પ્રાંત અધિકારીને રૂા.૨૫ લાખનો ચેક અર્પણ કરાયો હતો.
આ પ્રસંગે જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો સહિતના રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા અને કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.