ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ પર પ્રથમ બેઠક ગાંધીનગરમાં યોજાઇ
ભુજ : ગુજરાત સરકાર નવી ઔદ્યોગિક નીતિના તૈયારીમાં વ્યસ્ત છે અને આ માટે ૧૨ વિશેષ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી
છે. આ ટાસ્ક ફોર્સમાં MSME વિકાસ, પર્યાવરણ સુરક્ષા અને પ્રદૂષણ નિયંત્રણ, બીમાર એકમોના પુનરુદ્ધાર અને ઇઝ ઓફ ડુઇંગ
બિઝનેસ (EoDB) જેવા મુખ્ય વિષયોને આવરી લેવામાં આવ્યા છે. ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ફોકિઆ)ને
આ ટાસ્ક ફોર્સમાં નોમિનેટ કરવામાં આવ્યું છે, જે કચ્છ અને ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું છે.
ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ ટાસ્ક ફોર્સ કમિટીની પ્રથમ બેઠક તાજેતરમાં ગાંધીનગરમાં ઔદ્યોગિક કમિશનરની કચેરીમાં યોજાઇ હતી.
આ બેઠકની અધ્યક્ષતા શ્રી સ્વરૂપ પી., આઇએએસ, ઔદ્યોગિક કમિશનરે કરી હતી, જેમાં વરિષ્ઠ અધિકારીઓ અને વિભાગીય
પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. ફોકિઆ તરફથી સિનિયર એક્ઝિક્યુટિવ મમતા વાસણી અને સોલારીસ ના શ્રી નરેન્દ્ર રાવલે ભાગ
લીધો હતો અને કચ્છ તેમજ ગુજરાતના ઔદ્યોગિક વિકાસને નવી નીતિ દ્વારા એક નવા આયામ સુધી પહોંચાડવા માટે ઇસ ઓફ
ડુઈંગ બિઝનેસ અંગે સૂચનો આપ્યા હતા. બેઠકમાં રજૂ કરાયેલા સૂચનોમાં જમીન સુધારા, બાંધકામ પરમિશન, વીજળી ડ્યુટી મુક્તિ
પ્રક્રિયા, ઔદ્યોગિક કાયદાઓમાં સુધારા, પાણી અને ખનીજ સંસાધનોના વ્યવસ્થાપન, GST અને અન્ય કરો સંબંધિત મુદ્દાઓ
તેમજ બીમાર એકમોના પુનરુદ્ધાર જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ફોકિઆ તરફથી રજૂ કરાયેલા દસ્તાવેજમાં
જમીનના વર્ગીકરણમાં સુધારા (કૃષિ, ઔદ્યોગિક અને વાણિજ્યિક ઝોન), કચ્છમાં બાંધકામની ઊંચાઇ અને FSIમાં વધારો, વીજળી
ડ્યુટીમાં ઘટાડો, પાણીના વપરાશમાં સુધારા અને GSTમાં પારદર્શિતા જેવા સૂચનોનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત, ઔદ્યોગિક
કમિશનરેટની પ્રેઝન્ટેશનમાં ગુજરાતના EoDBમાં વધારા માટેના પ્રયાસો, જેમ કે MSME માટે ૩.૫ વર્ષની મુક્તિ,
ડિજિટલાઇઝેશન અને ડિક્રિમિનલાઇઝેશનના પગલાંની વાત કરવામાં આવી હતી.
ફોકિઆના સિનીયર એક્ઝિક્યુટિવ મમતા વસાણીએ જણાવ્યું કે, “આ ટાસ્ક ફોર્સમાં ફોકિઆ નો સમાવેશ ઔદ્યોગિક વિકાસ માટે
મહત્વપૂર્ણ છે. અમે અન્ય ટાસ્ક ફોર્સ માટે પણ સૂચનો મોકલીશું અને ગુજરાત અને કચ્છને વધુ આકર્ષક રોકાણ સ્થળ બનાવવા
પ્રયત્નશીલ રહીશું.”
ગુજરાત સરકારની આ પહેલથી રાજ્યમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળશે અને EoDBમાં સુધારા થતા વિદેશી રોકાણમાં વધારો
થશે. રાજ્યમાં હાલમાં ૨૦થી વધુ સેક્ટર-સ્પેસિફિક પોલિસીઓ અમલમાં છે, જેમાં સેમિકન્ડક્ટર, રિન્યુએબલ એનર્જી અને EV
જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. આ નવી નીતિ ગુજરાત અને કચ્છને ભારતના સૌથી પસંદગીના ઔધ્યોગીક રોકાણના સ્થળ તરીકે
મજબૂત કરશે.