ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો

copy image

અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે હાઈસ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યાની ઘટનાએ આખા શહેરમાં ચકચાર જગાવી છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. આ કેસમાં અત્યાર સુધીમાં બે સગીર આરોપીઓને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જે બાદ હાલ તેઓને રિમાન્ડ હોમમાં મોકલી દેવામાં આવ્યા છે. આ ઘટના સંદર્ભે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 211 અને 239 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ક્રાઈમ બ્રાન્ચના ACP ભરત પટેલે જણાવ્યું કે, સેવન્થ ડે હાઈસ્કૂલમાં ધોરણ 10ના નયન સંતાણી નામના વિદ્યાર્થીની હત્યાના કેસની તપાસ સૌથી પહેલા ખોખરા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. કોણ-કોણ આ ઘટનામાં સંડવાયેલું છે? આ બનાવનો મૂળ ઉદ્દેશ્ય શું હતો? આ તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.તેમણે જણાવ્યું કે, મૃતકના પિતાની અરજી પર પ્રાથમિક તપાસ કરાયા બાદ શાળાના એડમિનિસ્ટ્રેશન અને પ્રિન્સિપાલ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. તો સગીરવયના બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા બાદ રિમાન્ડ હોમ (બાળ સુધારણા ગૃહ)માં મોકલી દેવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, હાલ તો શાળાના જવાબદાર વ્યક્તિ તરીકે શાળાના પ્રિન્સિપાલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. તપાસ દરમિયાન જે બીજી વિગતો બહાર આવશે, તે મુજબ જે-તે જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
રીપોર્ટ બાય: અશ્વિન લીંબાચીયા, અમદાવાદ.