GSLમાં મલ્ટિમેટ અજેય, ટોપનોચ અને કટારિયા કિંગ્સનો વિજય


ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના સહકારથી મંગળવારે અહીંના નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે ચાલી રહેલી ટેબલ ટેનિસ લીગ ગુજરાત સુપર લીગ (GSL)માં ઓલિમ્પિયન હરમિત દેસાઈની મદદથી મલ્ટિમેટ માર્વેલ્સે તેની વિજયકૂચ આગળ ધપાવીને 578 પોઇન્ટ હાંસલ કરી લીધા હતા. મંગળવારે મલ્ટિમેટની ટીમે ભાયાણી સ્ટાર્સ સામે 145-138થી વિજય હાંસલ કર્યો હતો. ભાયાણી સ્ટાર્સ 532 પોઇન્ટ સાથે હાલમાં ચોથા ક્રમે છે.
ત્રણ દિવસની આ ઇવેન્ટ સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત (એસએજી)ના સહયોગથી યોજાઈ છે જેના કો-સ્પોન્સર ગુજરાત ટુરિઝમ અને એસોસિયેટ્સ સ્પોન્સર ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (જીએમડીસી), બેકિંગ પાર્ટનર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે. સ્ટિગા તેના ઇક્વિપમેન્ટ પાર્ટનર છે તો કોસ્કો તેના ફ્લોરિંગ પાર્ટનર છે જ્યારે મોબિસ્પોર્ટ્ઝ તેના સ્ટ્રિમિંગ પાર્ટનર અને શેલ્બી મલ્ટિસ્પેશિયાલીટી હોસ્પિટલ તેના મેડીકલ પાર્ટનર છે.
ત્રીજા ટેબલ પર ગુજરાતની સ્ટાર પેડલર ફ્રેનાઝ છિપીયા અને ચિત્રાક્ષ ભટ્ટે ટોપનોચ એચિવર્સના વર્તમાન ચેમ્પિયન તાપ્તિ ટાઇગર્સ સામેના 142-132ના વિજયમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.ત એચિવર્સ અને ટાઇગર્સ હાલમાં 549-549 પોઇન્ટ સાથે બીજા ક્રમે છે.
કટારિયા કિંગ્સે તેના સુકાની અને ભારતના મોખરાના ક્રમના માનુષ શાહે શાનદાર રમત દાખવી હતી અને શામલ સ્કવોડ સામે 137-118થી વિજય હાંસલ કર્યો હતો. 529 પોઇન્ટ સાથે કટારિયા કિંગ્સ પાંચમા ક્રમે છે જ્યારે શામલ સ્કવોડ 515 પોઇન્ટ સાથે અંતિમ ક્રમે છે.
અગાઉ મંગળવારે સવારે વર્તમાન ચેમ્પિયન તાપ્તિ ટાઇગર્સે કટારિયા કિંગ્સ સામે 142-131થી વિજય હાંસલ કર્યો હતો જ્યારે ટેબલમાં મોખરે રહેલી મલ્ટિમેટ માર્વેલ્સે પોતાની અજેય આગેકૂચ આગળ ધપાવીને ટોપનોચ એચિવર્સ સામે 140-136થી વિજય મેળવ્યો હતો. ભાયાણી સ્ટાર્સે શામલને 133-131થી હરાવીને ત્રણ મેચમાં પ્રથમ વિજય હાંસલ કર્યો હતો.
સોમવારે રાત્રે મલ્ટિમેટ માર્વેલ્સે તાપ્તિ ટાઇગર્સને 152-132થી હરાવ્યું હતું.
કેપ્ટન માનુષ શાહ અને તેના ગુજરાતના સાથી ધૈર્ય પરમારે મળીને ભાયાણી સ્ટાર્સ સામે કટારિયાને 134-127થી સફળતા અપાવી હતી. જ્યારે શામલ સ્કવોડે ટોપનોચને 142-127થી હરાવી હતી. આ મેચમાં કેપ્ટન અને ભારતના દસમા ક્રમના રિથ રિશ્ય ટેનિસન અને સુધાંશુ ગ્રોવરે શાનદાર રમત દાખવી હતી.
પોઇન્ટ ટેબલઃ
1. મલ્ટિમેટ માર્વેલ્સ — 578
2. તાપ્તિ ટાઇગર્સ અને ટોપનોચ — 549
3. ભાયાણી સ્ટાર્સ — 532
4. કટારિયા કિંગ્સ —- 529
5. શામલ સ્કવોડ — 515