ધાર્મિકતા સાથે શૌર્ય, સેવા અને સ્વચ્છતા તથા અંગદાન જાગૃતિનો સુભગ સમન્વય

સમગ્ર રાજ્યની સાથે સાથે કચ્છ જિલ્લામાં પણ ગણેશોત્સવ ની ઉજવણી ધામધૂમ પૂર્વક થઈ રહી છે. ભુજ શહેરમાં ભુજ ફ્રેન્ડસ ગ્રુપ દ્વારા ટીન સીટી ખાતે આયોજીત ગણેશ પંડાલ નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ગણપતિ ઉત્સવ દરમિયાન સામાન્ય રીતે ધાર્મિક પ્રવૃત્તિઓ થતી હોય છે પરંતુ આ વખતે લોકોમાં અંગદાન અંગે જાગૃતિ આવે તે માટે વિશેષ આયોજન કરાયું હતું. આ સાથે ઓપરેશન સિંદૂરની થીમને પણ જોડવામાં આવી  છે.

        મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ વખતે શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ સ્પર્ધામાં ધાર્મિકતાની સાથે લોકોમાં સ્વચ્છતા, વ્યવસ્થા, પવિત્રતા, સામાજિક પ્રવૃત્તિઓને પણ આવરી લેવામાં આવી છે. ત્યારે ભુજ ફ્રેન્ડસ ગ્રુપ દ્વારા પણ ધર્મ, શૌર્ય અને આરોગ્યનો સમન્વય કરીને જનજાગૃતિ ફેલાવવા પ્રયાસ કરાઇ રહ્યો છે.  

        આ અંગે ફ્રેન્ડસ ગ્રુપના પ્રમુખ રાહુલ ગોરે જણાવ્યું હતું કે, ભારત દેશના સૈનિકોએ જે રીતે પાકિસ્તાન સામે ઓપરેશન સિંદુરમાં શૌર્ય અને રાષ્ટ્રપ્રેમ દર્શાવ્યો તે વાતને ઉજાગર કરવા અને સૈન્યની શક્તિને સલામ કરવા માટે ઓપરેશન સિંદુરની થીમ પણ જોડવામાં આવી છે. જેમાં લોકોમાં દેશભક્તિ જગાવવા ઓપરેશન સિંદુરનો વીડિયો પણ દર્શાવવામાં આવે છે. સાથે ઓપરેશન સિંદુર અંગે રેતશિલ્પ પણ બનાવવામાં આવ્યું છે.  આ ઉપરાંત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નું સૂત્ર છે કે આત્મનિર્ભર ભારત. તેથી દેશીની વાતને પણ જોડવામાં આવી છે અને આ અંગે વીડિયો દર્શાવવામાં આવે છે. ઉપરાંત સ્વચ્છતાને પણ અહીં પંડાલમાં મહત્વ આપવામાં આવ્યું છે. ખાસ કરીને  ગણેશ મહોત્સવ દરમિયાન બહોળી  સંખ્યામાં નગરજનો સહભાગી બનતા હોય છે ત્યારે અંગદાન-મહાદાનના બેનર સાથે અહીં અંગદાન કરવા રજિસ્ટ્રેશ કાઉન્ટર રાખવામાં આવ્યું છે. જેમાં લોકોને માહિત ગાર કરીને તેઓને અંગદાન કરવા પ્રેરિત કરવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે. આમ, ગણેશ મહોત્સવના ધાર્મિક મહત્વની સાથે સાથે શૈાર્યતા, સેવા, સ્વચ્છતાનો અનોખો  સમન્વય ગણેશ પંડાલમા પણ જોવા મળી રહ્યો છે.