યક્ષ મેળાને અનુલક્ષીને વાહન વ્યવહારના નિયમન માટે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું જારી કરાયું
આગામી તા. ૦૭/૦૯/૨૦૨૫ થી તા.૧૦/૦૯/૨૦૨૫ સુધી નખત્રાણા તાલુકાના મોટા યક્ષ ખાતે લોકમેળાનું આયોજન થનારું છે. આ મેળામાં આવનાર શ્રધ્ધાળુઓ મેળો માણી શકે તથા સરળતાથી ટ્રાફિક નિયમન થઈ શકે તે માટે નખત્રાણાના વિરાણી ફાટકથી દેશલપર-વાંઢાય સુધીનો રસ્તો તથા મંગવાણા પલીવાડથી યક્ષ ત્રણ રસ્તા બાજુ આવતો રસ્તો તા. ૦૭/૦૯/૨૦૨૫ થી તા.૧૦/૦૯/૨૦૨૫ સુધી ભારે વાહનો માટે પ્રતિબંધિત કરી વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧) (બી) હેઠળનું જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત રજૂ થયેલ છે જે ધ્યાને લેતા ટ્રાફિક વ્યવસ્થા તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણીના હુકમ જરૂરી જણાય છે.
ટ્રાફિક વ્યવસ્થા તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણીના હેતુસર જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧) (બી) અન્વયે તા.૦૭/૦૯/૨૦૨૫થી તા.૧૦/૦૯/૨૦૨૫ સુધી નખત્રાણાના વિરાણી ફાટકથી દેશલપર- વાંઢાય સુધીના રસ્તા તથા મંગવાણા પલીવાડથી યક્ષ ત્રણ રસ્તા બાજુ આવતા રસ્તા પર ભારે વાહનોની અવર જવર બંધ કરવા ફરમાવાયું છે. વૈકલ્પિક રસ્તા તરીકે માતાનામઢ બાજુથી આવતા ભારે વાહનો વિરાણી ફાટક-નિરોણા-લોરીયા ચેક પોસ્ટ થઈ ભુજ તરફ જઈ શકશે. ભુજ તરફથી આવતા ભારે વાહનો દેશલપર થઈ મંગવાણા- મોથાળા-તેરા ફાટક થઈ ઉખેડા થઈ માતાનામઢ તરફ જઈ શકશે. મંગવાણા પલીવાડથી યક્ષ ત્રણ રસ્તા બાજુ આવતો રસ્તો ભારે વાહનો માટે પ્રતિબંધિત કરી મંગવાણાથી ભુજ બાજુ જવા માટે દેશલપર બાજુ તેમજ નલીયા બાજુ જવા માટે મોથાળા-તેરા ફાટકવાળા રૂટ પરથી અવર-જવર કરવી.
આ જાહેરનામા અન્વયે સરકારી ફરજ પરના વાહનો/એસ.ટી. બસો, ફાયર ફાઈટર વાહનો, એમ્બ્યુલન્સને લાગુ પડશે નહીં અને મુક્તિ આપવા માટેના અધિકારો પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ-ભુજ-કચ્છને રહેશે.
અંજના ભટ્ટી