કચ્છના દિવ્યાંગ તારલાઓને તરાશીને રમતના મેદાનો ગજવતા કરનાર દિવ્યાંગ શિક્ષક નીરવ ડાકી

બાઈ, માં, મમ્મી, મમ વગેરે શબ્દો સાંભળીએ ત્યારે કરુણા, શિસ્ત, સંસ્કારનું સિંચન કરતો એક ચહેરો એટલે કે માતાનો ચહેરો યાદ આવી જાય… આ જ ગુણોનું સિંચન કરતો અન્ય એક ચહેરો જ્યારે આપણે માસ્તર, સાહેબ કે સર બોલીએ ત્યારે યાદ આવી જાય શાળાના શિક્ષક….

 મા અને માસ્તર મને શબ્દો શરૂ તો મા અક્ષરથી થાય છે એટલે જ જન્મ દેનાર “મા” ની સાથે શાળાના “માસ્તર” પણ શાળાના દરેક બાળકની બીજી “મા” બનીને તેનો માનસિક, શારીરિક ઉછેર સાથે ઘડતરનું કામ કરે છે. કહેવાય છે ને “પારકી મા જ કાન વીંધે”  આ કામ કરવાનું બીડું શિક્ષકે ઉપાડ્યું હોય છે. કલાસરૂમમાં બ્લેકબોર્ડ અને તો રમતના મેદાનમાં સીસોટીના સટાકાથી બાળકને દરેક પ્રકારના ક્ષેત્રમાં ઘડવાનું કામ માસ્તર કરતા હોય છે. એમાં પણ જો બાળકો માનસિક તથા શારીરિક રીતે દિવ્યાંગ હોય તો તેને સમાજના પ્રવાહમાં ભેળવવા તથા પગભર કરવા એક શિક્ષક માટે આ હિમાલય જેવો પડકાર બની જતો હોય છે… હા, આજે ૫ સપ્ટેમ્બરે શિક્ષક દિન છે ત્યારે આપણે વાત કરવી છે આવો જ હિમાલય જેવો પડકાર ઝીલનાર તથા દિવ્યાંગ વિદ્યાર્થીઓને શાળાના મેદાનથી આંતરરાષ્ટ્રીય મેદાન સુધી પહોંચાડનાર શિક્ષકશ્રી નીરવ ડાકીની….

દિવ્યાંગ બાળકોને ન માત્ર અભ્યાસ પરંતુ રમતના મેદાનમાં તાલીમ આપીને રાષ્ટ્રીય  તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઇ જતા સ્પોર્ટસ શિક્ષકશ્રી નીરવ ડાકી પોતે એક પ્રેરણાસ્ત્રોત છે. તાજેતરમાં દિવ્યાંગ બાળકો અને રમતના મેદાનમાં તેઓનું કૌવત અંગે “ સિતારે જમીન પર….” નામની એક ફિલ્મ પ્રદર્શિત થઇ હતી. આ ફિલ્મ જેવા જ અદ્લ દશ્યો હકીકતમાં કચ્છના ભુજ તાલુકાના માધાપરના શ્રી નવચેતન અંધજન મંડળ નામની સંસ્થામાં જોવા મળે છે. આ સંસ્થા સંચાલિત પ્રાથમિક, માધ્યમિક -ઉચ્ચ માધ્યમિક અને સંમેલિત કન્યા પ્રાથમિક શાળાના દિવ્યાંગ તારલાઓને તરાશીને રમતના મેદાન ગજવતા કરનાર કોચ નીરવ ડાકીએ એક શિક્ષક ધારે તો શું કરી શકે તે સાર્થક કરી બતાવ્યું છે.

સંપૂર્ણ કે આંશિક અંધ, હાથ કે પગની ખામીથી પીડિત જે દિવ્યાંગ બાળકો પોતાના અભ્યાસ વર્ગ કે હોસ્ટેલના રૂમથી બહાર નીકળવામાં પણ વિચાર કરતા હોય તેમને ગુજરાત, ભારત કે વિેદેશના રમતના મેદાનો ગજવતા કરવાનું ભગીરથ કાર્ય નીરવ ડાકી કરી રહ્યા છે. એક મહત્વપૂર્ણ વાત એ છે કે, ૨૫ વર્ષીય નીરવ ડાકી ખુદ દિવ્યાંગ છે. એટલે કે, તેમની પોતાની આંખની દ્રષ્ટિ નહિવત છે. તેઓ આંશિક અંધ હોવાથી તેઓને પણ નાનપણમાં અભ્યાસ અને રમતગમત ક્ષેત્રે નિપુણ બનવામાં ખૂબ જ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. આ સમસ્યા દિવ્યાંગ બાળકોને ન પડે તથા દરેક દિવ્યાંગ બાળક પોતાની ક્ષમતાને વિકસાવીને રમતવીર બની શકે તે લક્ષ્ય સાથે તેઓ અનેક રમતવીરો તૈયાર કરી ચૂક્યા છે. તેમની શાળાના વિદ્યાર્થીઓ આજે રાજ્ય, નેશનલ તથા ઇન્ટરનેશનલ કક્ષાએ રમી રહ્યા છે અને અનેક મેડલ જીતીને ગુજરાત, ભારતનું નામ રોશન કરી રહ્યા છે.

ગોલબોલ રમતમાં ઇન્ટરનેશનલ તથા ક્રિકેટમાં નેશનલ ખેલાડી એવા નીરવ ડાકીએ ૩ વર્ષથી કચ્છને કર્મભૂમી બનાવીને નવચેતન અંધજન મંડળમાં સ્પોર્ટસ ટીચર તરીકે સેવા આપી રહ્યા છે. આ સંસ્થા દિવ્યાંગ બાળકોને સમર્પિત છે, વિવિધ શારીરિક ખામી ધરાવતા બાળકોના અભ્યાસ સાથે તેના સ્કીલ ડેવલેપમેન્ટની કામગીરી આ સંસ્થા કરી રહી છે. સરકારશ્રી તથા દાતાશ્રીઓના સહયોગ સાથે કાર્યરત આ સંસ્થામાં હાલમાં વિવિધ સ્પોર્ટસમાં અનેક રમતવીરો નીરવ ડાકીએ તૈયાર કર્યા છે. ભવિષ્યમાં પેરાઓલેમ્પિકમાં કચ્છના દિવયાંગ બાળકો ભાગ લઇને ગુજરાત અને ભારતનું નામ રોશન કરે તેવું તેમનું લક્ષ્ય છે.

ખુદ અંધત્વનો શિકાર નીરવભાઇ જણાવે છે કે, નાનપણમાં મને રમતમાં રસ હોવા છતાં યોગ્ય શિક્ષક ન મળતા રમી શકતો ન હતો, મે સામાન્ય શાળાથી લઇને દિવ્યાંગોની શાળામાં અભ્યાસ કર્યો છે. પરંતુ દરેક જગ્યાએ દિવ્યાંગોને રમવા સક્ષમ બનાવી શકે તેવા વ્યાયામ શિક્ષકની ખોટ સાલી છે. જેથી મે ખુદ સ્પોર્ટસ ટીચર બનવાના નિર્ધાર સાથે કેરાલામાં ૨ વર્ષ ખાસ તાલીમ લીધી અને આ દિશામાં કેરીયર પસંદ કર્યું. હાલ હું ખુદ ક્રિકેટમાં નેશનલ તથા ગોલબોલમાં ઇન્ટરનેશનલ રમતવીર છું સાથે દિવ્યાંગ વિદ્યાર્થીઓને તાલીમ આપું છું.  છેલ્લા સાડા ત્રણ વર્ષના સમયમાં શ્રી નવચેતન અંધજન મંડળની શાળામાં ફૂટબોલ, ગોલબોલ, જ્વેલીન થ્રો, ડીસ્ક થ્રો, લાંબી કૂદ, દોડ, ક્રિકેટ, ચેસ, પાવર લીફ્ટીંગ વગેરે રમતોમાં ૪૦થી વધુ બાળકોને તેઓની પ્રતિભા પિછાણીને રમતા કર્યા છે. આ બાળકો રાજ્યકક્ષાથી લઇને નેશનલ કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ચુકયા છે. તેમજ ઇન્ટરનેશનલ કક્ષાએ હાલ ઇજિપ્ત ખાતે આયોજિત ગોલબોલ ટુર્નામેન્ટમાં મારા શિષ્યો વિવિધ ગોલબોલમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. જે ગુજરાત અને કચ્છ માટે ગૌરવની બાબત છે.

હાલ, ભુજ તાલુકાના માધાપર ગામના નવચેતન અંધજન મંડળ શાળામાં ૨૦૦થી વધુ બાળકો અભ્યાસ કરે છે, જે વિવિધ કેટેગરીમાં દિવ્યાંગ છે. જે તમામની ફિટનેસથી માંડીને તેઓને વિવિધ રમતમાં રૂચિ વધે તે ક્ષેત્રમાં પ્રોફેશનલી આગળ વધે તે દિશામાં કામગીરી કરતા નીરવભાઇ જણાવે છે કે, આ રમતોમાં સંપૂર્ણ અંધબાળકોથી લઇને, થોડું દેખાતું હોય તેવા બાળકો તેમજ હાથ-પગ સહિત શારિરીક રીતે ૮૦ ટકા જેટલી ખોટ ધરાવતા બાળકોનો પણ સમાવેશ થાય છે. હાલ બાળકો ગુજરાત, ભારતનું વિવિધ ટુર્નામેન્ટમાં પ્રતિનિધિત્વ કરતા હોવાથી તેમનામાં એક નવો જ આત્મવિશ્વાસ જોવા મળે છે.

તેઓ ઉમેરે છે કે, દરેક સ્પર્ધામાં હાર-જીત થતી હોય છે, પરંતુ હું હારનાર વિદ્યાર્થીઓ શું કામ હાર્યા, મારી કયાં ચૂક થઇ, કે મારા બાળકો ક્યાં ચૂક્યા તે દિશામાં કામ કરીને તેને વધુ તાલીમબધ્ધ કરવા પર ધ્યાન કેન્દ્રીત કરું છું.

દિવ્યાંગ બાળકોને તાલીમ આપવામાં ધૈર્ય, સમય અને શિસ્ત જરૂરી – શ્રી નીરવ ડાકી

સામાન્ય બાળકની સાપેક્ષે જે દિવ્યાંગ બાળકો જોઇ શકતા નથી તેઓને તૈયાર કરવા માટે ખૂબ જ મહેનત લાગતી હોવાનું જણાવતા નીરવભાઇ કહે છે કે, દા.ત ભાલા ફેંક, લાંબીકૂદમાં બ્લાઇન્ડ બાળકને તૈયાર કરવો હોય તો પહેલા તો કૂદકો મારવાના માર્કીંગ સુધી કેટલા પગલા ચાલવું પડશે તેની તાલીમ આપવી પડે છે ત્યાર બાદ કૂદકો કેમ મારવો તેની તાલીમનો વારો આવે છે. જો ફૂટબોલ, ગોલબોલ વગેરેની વાત કરીએ તો અંધ બાળકો અવાજ કરતા બોલની મદદથી તેની દિશા જાણી તેને હીટ કરતા હોય છે. આમ, દિવ્યાંગ બાળકોને દરેક રમતમાં અલગ અલગ રીતે મેદાનમાં કઇ રીતે મુવમેન્ટ કરવું તેનાથી લઇને દિશા ઓળખવા સુધીની તાલીમ આપવી પડે, ત્યારબાદ ગેમ અંગે તૈયાર કરવાનું ચેલેન્જ હોય છે.

નેશનલ અને ઇન્ટરનેશનલ ગગનમાં ચમકતા કચ્છના દિવ્યાંગ તારલા

વ્યાયામ શિક્ષકશ્રી નીરવ ડાકીના હાથ નીચે છેલ્લા ૩ વર્ષમાં તૈયાર થઇને વિવિધ રમતોમાં વિજેતા થયેલા બાળકોની વાત કરીએ તો, શ્રી નવચેતન અંધજન મંડળના ૩૦ જેટલા બાળકો નેશનલ સુધી રમી ચુકયા છે. ૪૨ જેટલા બાળકો રાજ્યકક્ષાએ જ્યારે ૩૦ બાળકોએ અત્યારસુધી જિલ્લાકક્ષાએ ભાગ લીધો છે. વર્તમાન સમયમાં ગ્વાલીયર ખાતે ૧૦ બાળકો શોર્ટફુટ, લોંગ જમ્પ, ડીસ્ક થ્રો તથા જેવલીન થ્રોની સબજૂનીયર અને જૂનીયર ટુર્નામેન્ટમાં ભાગ લેવા ગયા છે. તેમજ ઇજિપ્ત ખાતે આંતરરાષ્ટ્રીય ગોલબોલ ટુર્નામેન્ટમાં આ શાળાની જયશ્રી આહિર નામની એક વિદ્યાર્થીની ભાગ લઇ રહી છે. આ રમતમાં વિશ્વના ૧૨ દેશો ભાગ લેવાના છે. આ તમામ ટુર્નામેન્ટો પેરાઓલિમ્પિકની તૈયારીની એક કડી સમાન છે. તેઓ જણાવે છે કે, અત્યાર સુધી નેશનલ કક્ષાની ફૂટબોલ ટીમમાં મારી શાળાની ૪ છાત્રા સિલેક્ટ થઇ છે. જ્યારે યુવકોની ટીમમાં ૨ છાત્રો પસંદગી પામ્યા છે. વધુમાં તેઓ જણાવે છે કે, ક્રિકેટની વાત કરીએ તો રાજ્યની ટીમમાં આ શાળાના ૨ છાત્રો અને હું ખુદ પ્લેયર તરીક રમું છું. તેમજ ગોલબોલની નેશનલ ટીમમાં ૬ બાળકો ગુજરાતના હતા. જેમાંથી ૪ બાળકો કચ્છના નવચેતન અંધજન મંડળના હતા. મહત્વની વાત એ છે કે, નેશનલ કક્ષાએ ગુજરાત રાજ્યે આ ગેમમાં પ્રથમવાર ભાગ લીધો હતો. તેમાં આપણા રાજ્યની ટીમ પ્રથમ રનર્સઅપ રહી હતી. જેમાં રાજ્યની ટીમનો કોચ હું હતો સાથે પ્લેયર તરીકે પણ રમ્યો હતો. 

૩ વર્ષ પહેલા જે રમતોથી અમે અજાણ તે રમતોના અમે મહારથી બની ગયા છીએ – દિવ્યાંગ બાળકો

પગમાં ૫૦ ટકા દિવ્યાંગતા ધરાવતા મૂળ નખત્રાણાના ૧૬ વર્ષના વિરામ બૂચીયા તથા પગમાં ૮૦ ટકા દિવ્યાંગતા ધરાવતા ૧૬ વર્ષના કીડીયા નગરના દિલીપ પરમાર છેલ્લા ૩ વર્ષથી પાવરલીફ્ટીંગમાં નેશનલ કક્ષા સુધી રમી ચુક્યા છે અને વિજેતા પણ બન્યા છે. તેઓ જણાવે છે કે, ૩ વર્ષ પહેલા એકપણ રમતોથી અમે જોડાયેલા ન હતા. આ રમતોના નામ સાંભળ્યા હતા પરંતુ અમે પણ તે રમતો રમી શકીશું તે સપને પણ વિચાર્યું ન હતું. પરંતુ નીરવ ડાકી સરની તાલીમ તથા પ્રોત્સાહનથી અમે ગુજરાતને નેશનલ કક્ષાએ પ્રેઝન્ટ કરી રહ્યા છીએ. ભવિષ્યમાં ઇન્ટરનેશનલ કક્ષા સુધી જવાની અદ્મ્ય ઇચ્છા છે. તો મોટા ધાવડાના મીઠુ કોળી કે જે ૧૦૦ ટકા અંધત્વ ધરાવે છે તે ક્રિકેટ, ફૂટબોલ, ગોલબોલ સહિતની રમતોનો નેશનલ ખેલાડી છે. તે કહે છે કે, ૩ વર્ષથી હું વિવિધ રમતો સાથે જોડાયો છું, જાણે મને જીવનને જોવવાની નવી દ્રષ્ટિ રમતોએ આપી હોય તેવું હું મેદાનમાં અનુભવું છું. આ શ્રેય મારા કોચ જાય છે, જેમણે ક્ષમતાને વિકસાવીને મને આટલા ઉચ્ચસ્તરે પહોંચાડ્યો છે. તો હાલ ઇજિપ્ત ગોલબોલ ટુર્નામેન્ટમાં ભારતની ટીમમાં સ્થાન મેળવીને રમવા ગયેલી કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી જયશ્રી આહિર જણાવે છે કે, મારી ઓછી દ્રષ્ટિ હોવાથી મે નાનપણથી અનેક સમસ્યાનો સામનો કર્યો છે. તેમાં કોઇ રમતમાં એકસ્પર્ટ થઇને નેશનલ કે ઇન્ટરનેશનલ રમવા જવું તો સપનામાં પણ વિચારી ન શકાય તેવો વિચાર છે. પરંતુ આજે તે તમામ વિચાર મારા કોચના કારણે સાકાર થયા છે, મારા જીવનને નવી દિશા અને દ્રષ્ટિ મળી છે. સરહદી કચ્છમાંના એક વિસ્તારથી ઇજિપ્ત સુધી જવાની સફર ખૂબ જ રોમાચંક છે.

જિજ્ઞા વરસાણી