આર્થિક રીતે સદ્ધર કુટુંબોને એન.એફ.એસ.એ. યોજના અંતર્ગત રેશનકાર્ડ કમી/રદ કરાવવા મામલતદારશ્રી માંડવીનો અનુરોધ
માંડવી તાલુકાનાં શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં આવેલ વાજબી ભાવની દુકાનોમાં નોંધાયેલા રેશનકાર્ડધારકોને જણાવવાનું કે સરકારશ્રીના તા.૧૩/૧૦/૨૦૨૦ તથા તા.૧૪/૦૩/૨૦૨૩ ના ઠરાવની જોગવાઈ મુજબ રેશનકાર્ડધારકોને વિતરણ કરવામાં આવતું અનાજ ફક્ત ગરીબો માટેની યોજના છે.
જે કુટુંબનો કોઈ પણ સભ્ય ૪ પૈડાવાળા વાહન (મોટરકાર, ટ્રેક્ટર, જીપ, ટ્રક વગેરે) ધરાવતો હોય, જે કુટુંબનો કોઇપણ સભ્ય સરકારી કર્મચારી હોય, જે કુટુંબનો કોઇપણ સભ્ય સરકારી પેન્શનર હોય, જે કુટુંબના તમામ સભ્યોની કુલ આવક માસિક ૨૦,૦૦૦/- થી વધુ હોય, જે કુટુંબનો કોઇપણ સભ્ય આવકવેરો ચૂકવતો હોય, જે કુટુંબ પાસે ૫ એકરથી વધુ પિયતવાળી ખેતીની જમીન હોય, જે કુટુંબ પાસે ૭.૫ એકરથી વધુ જમીન સાથે પિયત માટેનું સાધન ધરાવતું હોય, જે કુટુંબ પાકા મકાન/ફ્લેટ ધરાવતા હોય, જે કુટુંબે મકાન ભાડે આપેલ હોય (ઘરના કોઈપણ સભ્યના નામે) આવા કોઈપણ ધારાધોરણ ધરાવતા પરિવારોને આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી.
આ પ્રકારના રેશનકાર્ડધારકો/ઇસમોને તા.૧૧/૦૯/૨૦૨૫ સુધી સ્વેચ્છા એન.એફ.એસ.એ. યોજના અંતર્ગત પોતાનું રેશનકાર્ડ કમી/રદ કરાવવા માટે મામલતદાર કચેરી, માંડવીની પુરવઠા શાખા ખાતે અથવા જે – તે અનાજની દુકાને રેશનકાર્ડની નકલ જોડી અરજી રજૂ કરવા અનુરોધ કરવામાં આવે છે.
જો તેમ કરવામાં ચૂક થશે તો તા.૧૨/૦૯/૨૦૨૫ થી ઝુંબેશરૂપી તપાસ હાથ ધરવામાં આવનારી છે. તે તપાસ દરમિયાન કોઈપણ આર્થિક સદ્ધરતાના પુરાવા માલુમ પડશે તો વહીવટીતંત્રને કાયદેસર કાર્યવાહીની તેમજ જરૂર જણાય તો ફોજદારી કાર્યવાહી કરી ગુનો દાખલ કરવાની ફરજ પડશે. પાત્રતા ન ધરાવતા હોવા છતાં લેવામાં આવેલા સરકારી રેશનની બજાર કિંમત મુજબની રકમ વસૂલ કરવામાં આવશે જેની જેની જાહેર જનતાએ ખાસ નોંધ લેવા મામલતદાર માંડવી દ્વારા અનુરોધ કરાયો છે.