રાપર તાલુકામાં ભારે વરસાદના કારણે પાકોમાં થયેલ નુકશાનનું ખેડુતોને પૂરતું વળતર અને રાહત આપવા માંગ
પ્રજાના પ્રશ્નોને વાંચા આપતા અને લોકોના જીવન જરૂરિયાતના કામો કરવા માટે હરહંમેશ તત્પર રાપર વિધાનસભા કોંગ્રેસ પરિવારે ગુજરાત મહામહિમ રાજયપાલશ્રી તથા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ તથા ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા તથા ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતાશ્રી ડો.તુષારભાઈ ચૌધરી સહિત કલેક્ટરશ્રી કરછ સમક્ષ રજુઆત કરતા જણાવ્યુ કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે તા.૦૭/૦૯/૨૦૨૫ ના રોજ સમગ્ર ગુજરાતમાં પવન સાથે અતિભારે વરસાદ થયેલ છે.રાપર તાલુકામાં અવિરત અને ભારે વરસાદ પડવાના કારણે કૃષિ પાકોને ભારે નુકશાન પહોચ્યું છે.ખેડુતોએ કાળી મહેનતની મૂડી રોકાણ કરીને વાવેતર કર્યું હતું પરંતુ ભારે વરસાદના કારણે જગતના તાત ખેડુતોના પાકો નાશ પામ્યા છે જેના કારણે તેમને આર્થિક રીતે ભારે નુકશાની ભોગવવી પડી રહી છે.ઉપરાંત ઘણાં ખેડુતોના જમીનકાંઠા ધોવાઈ ગયા છે.તેમજ ઉપજ લાયક જમીન અક્ષમ બની ગઈ છે. કેટલીક જગ્યાએ તો પાણી ઊભા રહી ગયા હોવાથી બીજું વાવેતર કરવું પણ મુશ્કેલ બન્યું છે માટે તંત્ર દ્વારા યથાશીઘ્ર પાકની યોગ્ય સર્વેક્ષણ કરી નુકશાની થયેલ ખેડુતોને વળતર ચુકવવામાં આવે તથા તેમના માટે જરૂરી રાહત પગલાં લેવા રાપર વિધાનસભા કોંગ્રેસ પરિવારે મુખ્યમંત્રી સાથોસાથ કૃષિમંત્રીશ્રી સમક્ષ માંગ કરી હતી.