શેઠ વી.ડી હાઇસ્કૂલ ભુજમાં ” કચ્છ સ્યુસાઇડ પ્રિવેન્શન ફોરમ” તથા “ઓમ ફાઉન્ડેશન”દ્વારા “વર્લ્ડ સ્યુસાઇડ પ્રિવેન્શન ડે” અંતર્ગત રેલી તથા અવેરનેસ કાર્યક્રમનું આયોજન

શેઠ ડુંગરશી નાગજી ટ્રસ્ટ સંચાલિત શેઠ વી.ડી હાઇસ્કૂલ ભુજમાં આજરોજ” કચ્છ સ્યુસાઇડ પ્રિવેન્શન ફોરમ” તથા “ઓમ ફાઉન્ડેશન”દ્વારા “વર્લ્ડ સ્યુસાઇડ પ્રિવેન્શન ડે” અંતર્ગત રેલી તથા અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના કલાવૃંદ દ્વારા પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. “ઓમ ફાઉન્ડેશન”ના સ્થાપક ડૉ દેવ જ્યોતિ શર્મા, “કચ્છ સ્યુસાઇડ પ્રિવેન્શન ફોરમ”ના પ્રમુખ ડૉ સુરેશભાઈ પટેલ,કચ્છ જિલ્લાના પૂર્વ શિક્ષણ અધિકારી શ્રી ડૉ મધુકાંતભાઈ આચાર્ય,શ્રી હેમંતભાઈ ઠક્કર,શ્રી દિપકભાઈ મકવાણા,શ્રી જયંતીલાલ વાઘેલા, શ્રી શાંતિભાઈ પટેલ,શ્રી પલ્લવીબેન રાઠોડ,શ્રી અજીતભાઈ ભાનાણી, રમેશભાઈ ભટ્ટ , મનોચિકિત્સક ક્રિષ્નાબેન રાઠોડ અને કરિશ્માબેન પારેખ તથા ટ્રસ્ટના મંત્રી શ્રી ઉર્મિલભાઈ હાથી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
સવારે શાળાના મદદનીશ શિક્ષક અશ્વિનસિહ જાડેજા તથા NSS પ્રોગ્રામ ઓફીસર મયુરભાઈ ના માર્ગદર્શન હેઠળ 100 સ્વયંસેવકોની આત્મહત્યા નિવારણ જાગૃતિ માટે ભુજ ના જાહેર માર્ગો પર પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં વ્યાયામ શિક્ષક પી.બી. ગોહિલ, ઉ.મા.વર્ગોના શિક્ષિકા નિધિબેન જોષી, હિનાબેન ભગદે તથા બી.એડ. તાલીમાર્થી બહેનો જોડાયા હતા.
રેલી બાદ પ્રાર્થના હોલમાં શાળાના આચાર્યશ્રી બ્રિજેશભાઈ ઠક્કર સાહેબે પધારેલ તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી મીઠો આવકારો આપી પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું.તથા આચાર્યશ્રી અને સ્ટાફ પરિવાર દ્વારા મહેમાનોનું શાલ પુષ્પગુચ્છ અને પુસ્તક આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
ડૉ મધુ કાન્ત આચાર્યશ્રીએ આજના સમયમાં આત્મહત્યાનું જે પ્રમાણ વધી રહ્યું છે ત્યારે બાળકોમાં,નાગરિકોમાં આ અંગે જાગૃતિ આવે તથા જીવનમાં નકારાત્મકતા થી કેવી રીતે દૂર થઈ જવું ?, સાદુ અને સરળ જીવન કેમ જીવવું ? તે અંગે ઉદાહરણો સહિત સચોટ મર્મ સ્પર્શી માહિતી આપી હતી. તો ડૉ સુરેશભાઈ પટેલે “કચ્છ સ્યુસાઇડ પ્રિવેશન ફોરમ” સંસ્થાનો અને સંસ્થાની કામગીરીનો પરિચય આપ્યો હતો.કાર્યક્રમના અધ્યક્ષ શ્રી ડૉ દેવ જ્યોતિ શર્માએ જીવન જીવવાનો માર્ગ,જીવનની સાચી દિશા અને જીવનની નવી શરૂઆત કેવી રીતે કરવી તે મનોચિકિત્સક પદ્ધતિને અનુસંધાને બાળકોને તલસ્પર્શી માહિતી આપી હતી. અને બાળકોને મૂંઝવતા પ્રશ્નો તથા તે અંગે જરૂરી સારવાર માટે તેમણે અલગ સમિતિની રચના કરી અને વિદ્યાર્થીઓને મફત સેવા મળી રહે તેવો પોતાનો અભિપ્રાય આપ્યો હતો. 9 થી 12 ના લગભગ 650 જેટલા વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો અને વિદ્યાર્થીઓને પણ કાર્યક્રમ દ્વારા જીવનમાં તણાવમાંથી કેમ મુક્ત રહેવું એ શીખવા મળ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી જશવંત રાઠોડે કર્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા સ્ટાફ પરિવાર અને NSS પ્રોગ્રામ ઓફિસર મયુરભાઈ પટેલ તથા NSS સ્વયંસેવકો તેમજ સેવક રામજીભાઈ, નવીનભાઈ અને સેતુભાઈએ ખૂબ જહેમત ઉઠાવી હતી. છેલ્લે સુપરવાઇઝર અજીતભાઈ ભાનુશાલીએ સૌનો આભાર માન્યો હતો.