રાપરમાં પડેલા ભારે વરસાદ બાદ ક્લેકટરશ્રી આનંદ પટેલે આજરોજ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇને કામગીરીની સમીક્ષા કરી

રાપરમાં ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત વિસ્તારની ક્લેકટરશ્રી આનંદ પટેલે આજરોજ મુલાકાત લઇને વરસાદને પગલે થયેલા નુકશાન સહિતની સમગ્ર બાબતોનું નિરીક્ષણ કરીને નાગરિકો સાથે સંવાદ સાધ્યો હતો. આ સાથે જ રાપર મામલતદાર કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજીને તમામ પ્રાથમિક સુવિધાઓ પૂર્વવત કરવા યુદ્ધના ધોરણે કામગીરી માટે સૂચના આપી હતી.

        રાપર તાલુકામાં મેવાસા ડેમના પાણી નીચાણવાળા વિસ્તારમાં ફરી વળતા રહેણાંક તથા ખેતીને થયેલા નુકશાન સહિતના બાબતે ક્લેકટરશ્રીએ સ્થાનિકો સાથે સંવાદ કરીને ત્વરાએ તમામ પ્રાથમિક સેવાઓ ઝડપી સુદ્ઢ કરવાની ખાતરી સાથે રાજ્ય સરકાર દરેક પરિસ્થિતિમાં પડખે હોવાનો સધિયારો આપ્યો હતો.

કલેકટરશ્રીએ રાપર મામલતદાર કચેરી ખાતે વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજીને અસરગ્રસ્ત વિસ્તારમાં પાણી, વીજળી, રસ્તા સહિતની તમામ પ્રાથમિક સૂવિધાઓ પૂર્વવત કરવા ઝડપી કામગીરી કરવા ખાસ સૂચના સાથે માર્ગદર્શન આપ્યું હતું. મેવાસા ડેમના પાણીના કારણે ખેતીને થયેલા નુકશાન સંદર્ભ સર્વેની કામગીરી ખેતીવાડી વિભાગ દ્વારા નિયત માળખા અંતર્ગત કરવામાં આવશે તેવ જણાવ્યું હતું.

ભારે વરસાદના કારણે નુકશાન પામેલા રસ્તાઓના ઝડપી રીસ્ટોરેશન માટે માર્ગ-મકાન વિભાગને સૂચના આપવા સાથે તમામ રસ્તા ઝડપી એપ્રોચેબલ થાય તે દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું. બેઠકમાં પ્રાંત અધિકારીશ્રી જ્યોતિબેન ગોહેલ, પંચાયત સિચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી એસ.ટી.ચૌધરી, જળ સિંચાઇ પેટા વિભાગ રાપરના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી કે.વી.ટેલર, ચીફ ઓફિસરશ્રી તરૂણદાન ગઢવી સહિતના અધિકારીઓ હાજર રહ્યા.