અમદાવાદ: રાજ્યના પોલીસ વડા શિવાનંદ દ્વારા દારૂ અને જુગારના અડ્ડાઓ પર રેડની કાર્યવાહી માટે આદેશ આપ્યો છે ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બગોદરા પાસેથી ટ્રકમાં ભરેલ 39 લાખ 43 હજાર 200 રૂપિયાનો દારૂ ગત રાત્રિના અરસામાં પકડી લેવામાં આવ્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બાતમીના આધારે ગત રાત્રિના અરસામાં સરખેજ રાજકોટ હાઇવે પર બગોદરા પાસે રોયકા પાટીયા નજીક રાજકોટ તરફ જતા હાઇવે રોડ પર અશોક રેસ્ટોરન્ટ એન્ડ કાઠિયાવાડી લોજ નામની હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલ પંજાબ પાસિંગની ટ્રકની તપાસ કરી હતી. જેમાં ચોખાની કણકીના કટ્ટાની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ 831 પેટી કુલ નંગ 9072 જેની કિંમત રૂ. 39,43,200 થાય છે તે પકડી લેવામાં આવ્યો હતો. આ સાથે ટ્રકની કિંમત 15 લાખ સહિત કુલ 56 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ઘટનાસ્થળેથી ટ્રકના ડ્રાયવર સંજય કરણસિંહ જાટ તથા ક્લીનર જયકુમાર બલજીતસિંગ જાટની અટકાયત કરવામાં આવી છે. જ્યારે ટ્રકના માલિક નવદિપસિંગ તેજાસિંગ અને વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર સતિન્દ્ર નામના ઈસમ વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.