વાયોરની વેદના : દારૂના દૂષણે ૨૬ પરિવારો ઉજ્જડ કર્યા, વિધવાઓના આંસુઓથી ભીંજાયેલા ગામમાં ‘આમ આદમી પાર્ટી’નો પોકાર

ગાંધીના ગુજરાતમાં જ્યાં દારૂબંધી માત્ર કાયદાના પાના પર રહી ગઈ છે, ત્યાં વાયોર ગામના આંગણે આજે એક હૃદયદ્રાવક દ્રશ્ય જોવા મળ્યું. આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આયોજિત એક જાહેર સભામાં, દારૂના દૂષણને કારણે વિધવા બનેલી ૨૬ જેટલી મહિલાઓ પોતાના નાના બાળકો સાથે આવી હતી. તેમની આંખોમાં વેદના અને અવાજમાં પીડા હતી કારણ કે, દારૂના કારણે તેમણે પોતાના પતિઓને ગુમાવ્યા હતા. છેલ્લા એક વર્ષમાં ૨૬ યુવાનોના જીવ આ દૂષણે લીધા હોવાનો ચોંકાવનારો આક્ષેપ આ મહિલાઓ અને સ્થાનિકોએ કર્યો, જેના કારણે આખો પંથક શોકમાં ગરકાવ થઈ ગયો છે.

આમ આદમી પાર્ટીના પશ્ચિમ કચ્છ જિલ્લા પ્રમુખ શ્રી ઝુઝારદાન ગઢવીની આગેવાની હેઠળ આ સભા યોજાઈ હતી. જે જાહેર સભામાં અબડાસા આમ આદમી પાર્ટીના પ્રમુખ મહાવીરસિંહ રમુભા, આમ આદમી પાર્ટી લખપત ના પ્રમુખ, અબડાસા આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ રાજેશ ભાઈ મોમાયાં, અબડાસા આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી અબ્દરેમાન સંગાર, જખૌ પ્રભારી અબ્બાસ સૂયા તથા અન્ય આમ આદમી પાર્ટીના કાર્યકરતાઓ ખુબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તથા ગરડા પંથક વિસ્તાર ના આજુ બાજુના ગામડાઓ ના લોકો પણ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સભામાં સ્થાનિકોએ દારૂના ખુલ્લેઆમ વેચાણ, સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર પોતાનો રોષ ઠાલવ્યો. પરંતુ, સૌથી વધુ ગંભીરતા દારૂના વેચાણ પર જોવા મળી. સ્થાનિકોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે દારૂ ગામમાં ખુલ્લેઆમ વેચાય છે, જાણે દારૂબંધી માત્ર કાગળ પર જ હોય.

સભા બાદ, પ્રમુખ શ્રી ગઢવીએ નાયબ કલેક્ટરને એક આવેદનપત્ર સુપરત કર્યું, જેમાં ગામમાં ચાલી રહેલા દારૂના વેપારનું વિગતવાર ચિત્ર રજૂ કરવામાં આવ્યું. આવેદનપત્રમાં ઉલ્લેખ છે કે “અલ્ટ્રાટ્રેક ટ્રાન્સપોર્ટ”ની આસપાસ દારૂના અડ્ડાઓ, જ્યારે “ફુલાય” અને “ભોઆ”ની આજુબાજુ દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે. આ ઉપરાંત, “અલ્ટ્રાટ્રેક લેબર કોલોની” અને “બાપા દયાળુ નગર”માં પણ અંગ્રેજી દારૂનો વેપલો બેરોકટોક ચાલી રહ્યો છે.

આવેદનપત્રમાં તંત્રને આ સામાજિક કલંકને તાત્કાલિક ધોરણે દૂર કરવા માટે અપીલ કરવામાં આવી છે. આ સાથે જ, એક કડક ચેતવણી પણ ઉચ્ચારવામાં આવી છે. જો ટૂંક સમયમાં કાર્યવાહી નહીં થાય, તો આમ આદમી પાર્ટી અને પીડિત ગ્રામજનો દ્વારા “જનતા રેડ”, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અને ધરણાં પ્રદર્શન જેવા કાર્યક્રમો યોજવામાં આવશે. વાયોરના આંદોલને માત્ર એક સ્થાનિક મુદ્દો નહીં, પરંતુ દારૂબંધીના કાયદાની નિષ્ફળતા અને સમાજ પર તેની ગંભીર અસરોનો પડઘો પાડ્યો છે.