સરકારી તંત્ર દ્વારા જે કેશડોલ આપવાની વાત કરી પરિવારમાં 2 જ સભ્યોને કેશડોલ મળે એવો જે ફતવો બહાર પાડ્યો છે એ કોઈપણ રીતે સ્વીકાર્ય નથી : અમિત ચાવડા

બનાસકાંઠા જિલ્લાના થરાદ, વાવ અને સુઈગામ તાલુકામાં ગત 7 અને 8 સપ્ટેમ્બર 2025ના રોજ થયેલા અતિભારે વરસાદના કારણે અચાનક જ પૂર જેવી વિકટ અને ભયાનક પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, જેના પરિણામે ગામડાં પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને હજારો લોકોના જીવન પર વિનાશક અસર પડી હતી. ભારે વરસાદ અને પુરના પાણીથી ખેડૂતોના ઉભા પાકો સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા હતા, અનેક જગ્યાએ જમીન ધોવાણ થતા ખેતીલાયક જમીન બરબાદ થઈ ગઈ હતી, ગરીબ અને મધ્યવર્ગીય પરિવારોના ઘરો ધરાશાયી થઈ જતા લોકો ઘરવિહોણા બન્યા હતા, ઘરવખરી પાણીમાં વહેતા થઈ જતા લોકો નિરાશ્રિત બની ગયા હતા, હજારો પશુઓના મૃત્યુ થયા જેનાથી ગ્રામ્ય અર્થતંત્રને ગંભીર આંચકો લાગ્યો છે અને રસ્તાઓ તૂટી જતાં પરિવહન તેમજ આવાગમન ખોરવાઈ જ*તા પ્રજાનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. આજની તારીખે પણ અનેક ગામોમાં કાદવ, ગંદકી અને તાત્કાલિક જરૂરી સગવડોનો અભાવ લોકોના જીવનને કપરું બનાવી રહ્યો છે.
આ પરિસ્થિતિમાં પ્રજાના દુઃખ–દર્દમાં ભાગીદાર થવા માટે આજે તા. 15 સપ્ટેમ્બર 2025ના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ, બનાસકાંઠાના સાંસદ શ્રી ગેનીબેન ઠાકોર અને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી ગુલાબસિંહ રાજપૂત સહિત નેતાઓ કારકર્તાઓ સાથે મળીને સુઈગામ તાલુકાના ભરડવા ગામ, વાવ તાલુકાના મોરિખા ગામ તથા થરાદ તાલુકાના ડોડગામ અને ખાનપુર ગામોની મુલાકાત લીધી હતી. અહીં તેમણે અસરગ્રસ્ત પરિવારો સાથે વ્યક્તિગત મુલાકાત કરી, ગ્રામજનોની વ્યથા સાંભળી, તૂટેલા ઘરોનું નિરીક્ષણ કર્યું, પાક બરબાદ થયેલી ખેતરોની હાલત જોઈ અને પશુધનના મૃત્યુથી લોકો પર પડેલા આર્થિક સંકટની માહિતી પ્રાપ્ત કરી.
મુલાકાત બાદ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શ્રી અમીતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે ખૂબ મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે ઘરોમાં પાણી ભરાઈ જવાના કારણે ઘરવખરી નષ્ટ થઈ છે ઘરોમાં અનાજથી લઈને કપડાં સુધીની એમની જે માલ મિલકત હતી એ બધાને નુકસાન થયું છે મોટા પ્રમાણમાં પશુઓ તણાઈ ગયા છે મૃત્યુ પામ્યા છે ખેતીના પાક અને જમીનોના ધોવાણ થયા છે આર્થિક રીતે નુકસાન થયું સાથે સાથે અનેક લોકો હવે રોગચાળાના ભરડામાં પણ સપડાઈ શકે એવી પરિસ્થિતિ છે. ગામમાં PHC સેન્ટર હોવા છતાં PHC સેન્ટરમાં દવાઓની સગવડ નથી આરોગ્યની કોઈ પણ જાતની ચિંતા નથી કરવામાં આવતી.
વધુમાં સરકારી તંત્ર દ્વારા જે કેશડોલ આપવાની વાત કરી પરિવારમાં 2 જ સભ્યોને કેશડોલ મળે એવો જે ફતવો બહાર પાડ્યો છે એ કોઈપણ રીતે સ્વીકાર્ય નથી અને આખા ગામના લોકોએ સંયુક્ત રીતે તમામ સમાજના લોકોએ ભેગા થઈને નક્કી કર્યું છે કે પૂરતા પ્રમાણમાં કેશડોલ અને ઘરવખરીના મળે તો આનો બહિષ્કાર કરવો.
સરકારને વિનંતી છે કે આ પહેલીવારનું પુર નથી 2015,2017,2021 હોય કે 2025 હોય વારંવાર આવું થાય છે આ સરહદી ગામ છે રણ પ્રદેશનો નજીકનો વિસ્તાર છે પાણીનો ભરાવો થાય છે અહીંયા ક્ષારના કારણે પાણી ઉપર આવી જાય છે તો અહીંયા પાણીના કાયમી નિકાલ માટે કેનાલની વ્યવસ્થા થાય ત્યાં બધા જ વિસ્તારો ભાભર, થરાદ કે સુઇગામ તમામ વિસ્તારનું જે પાણી આવે છે તેનો રણમાં નિકાલ થાય એવી એક કેનાલની વ્યવસ્થા થવી જોઈએ એવી સરકારને માંગણી છે તમામ લોકોની તકલીફો રજૂઆતો સાથે સરકાર પાસે આવેદન પત્ર આપીને માંગણી કરીશું.
પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત દરમિયાન બનાસકાંઠા સાંસદ શ્રી ગેનીબેન ઠાકોર, બનાસકાંઠા જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપુત, ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, શિવાભાઈ ભુરિયા, પૂર્વ જિલ્લા પ્રમુખ બનાસકાંઠા દિનેશ ગઢવી સહિતના હોદ્દેદારો અને કાર્યકત્તાઓ હાજર રહ્યા હતા.