પ્રાકૃતિક કૃષિમાં જીવામૃત બનાવવાની રીત, ઉપયોગની પદ્ધતિ અને ફાયદા
માહિતી બ્યૂરો,ભુજ
કચ્છ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ પ્રત્યે ખેડૂતોમાં જાગૃતિ લાવવા માટે જીવામૃત બનાવવાની પદ્ધતિ, તેના છંટકાવ તથા ફાયદા અંગે ક્લસ્ટર બેઝ તાલીમના માધ્યમથી માસ્ટર ટ્રેનર્સ અને કૃષિ સખી દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. પ્રત્યક્ષ નિદર્શનના માધ્યમથી પણ તેની સમજ આપવામાં આવે છે.
જીવામૃત શું છે?
પ્રાકૃતિક કૃષિમાં જીવામૃત એક સજીવ દ્રાવણ છે જે અત્યંત અસરકારક હોય છે. આ દ્રાવણ ગાયના ગોબર, ગૌમૂત્ર, ગોળ, ચણાનો લોટ, ઘટાદાર વૃક્ષ નીચેની માટી તથા પાણી જેવા કુદરતી ઘટકોથી તૈયાર કરવામાં આવવું સજીવ ટોનિક છે. તેમાં રહેલા સૂક્ષ્મજીવો જમીનમાં રહેલા પોષક તત્ત્વોને પેદાશ માટે સક્ષમ સ્વરૂપે પરિવર્તિત કરે છે.
જીવામૃત બનાવવાની રીત
સામગ્રી
• ગાયનું તાજું છાણ – 10 કિલો
• ગૌમૂત્ર – 10 લિટર
• પાણી – 200 લિટર (ડ્રમમાં)
• ગોળ – 2 કિલો
• ચણાનો લોટ (અથવા બીજું કઠોળ પાવડર) – 2 કિલો
• ઝાડ નીચેની ખૂલ્લી ઉપજાઉ જમીનમાંથી માટી – 1 મુઠ્ઠી
પ્રક્રિયા
• 200 લિટરનો ડ્રમ અથવા કુંડો લેવો.
• તેમાં પાણી ભરી ઉપરોક્ત દર્શાવેલી તમામ સામગ્રી ઉમેરવી.
• લાકડી વડે દિવસમાં ઓછામાં ઓછું બે વખત હલાવવું.
• 2 થી 3 દિવસ બાદ જીવામૃત તૈયાર થઈ જશે.
જીવામૃતનો છંટકાવ કરવાની પદ્ધતિ : જીવામૃતનો ઉપયોગ જમીન દ્વારા તેમજ પાન પર છંટકાવ રૂપે કરી શકાય છે.
જમીન દ્વારા
• જીવામૃતનું દ્રાવણ પાકના મૂળ પાસે સિંચાઈના પાણી સાથે આપવું. (100 લિટર પાણીમાં 5 લિટર જીવામૃત ભેળવીને જમીનમાં આપવું)
પાન પર છંટકાવ
• જીવામૃતને 10% દ્રાવણ બનાવી છંટકાવ કરવો.
• (100 લિટર પાણીમાં 10 લિટર જીવામૃત ભેળવી પંપ દ્વારા છાંટવું)
• દર 15 થી 20 દિવસે પાક મુજબ છંટકાવ કરવાથી ઉત્તમ પરિણામ મળે છે.
જીવામૃતના ફાયદા
• જમીનમાં સૂક્ષ્મજીવોની સંખ્યા વધારી જમીનને જીવંત રાખે છે.
• પાકમાં વૃદ્ધિ અને ઉપજ બંનેમાં વધારો કરે છે.
• જમીનની ભેજ જાળવી રાખે છે અને કાર્બનિક પદાર્થોનો જથ્થો વધારે છે.
• રસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓની જરૂરિયાત ઘટાડી ખેડૂતોનો ખર્ચ બચાવે છે.
• જમીનની ઉપજાઉ શક્તિ લાંબા ગાળે જાળવી રાખે છે.
• માનવ આરોગ્યને હાનિકારક રસાયણોથી બચાવી પોષક અને સાત્વિક અન્ન આપે છે.
• પ્રાકૃતિક પર્યાવરણને સંતુલિત રાખવામાં મદદરૂપ થાય છે.
સારાંશરૂપે કહીએ તો, જીવામૃત પ્રાકૃતિક કૃષિની આત્મા છે. તે જમીન, પાક, પર્યાવરણ અને માનવ આરોગ્ય – ચારેય માટે કલ્યાણકારી છે. જીવામૃતના નિયમિત ઉપયોગ ખેડૂતોને રસાયણિક ખાતર તથા જંતુનાશક પરનો ખર્ચ ઘટાડવામાં મદદરૂપ થાય છે. કૃષિ નિષ્ણાંતોના મતે પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી પર્યાવરણનું સંતુલન જળવાઈ રહે છે અને ખેડૂતો માટે ટકાઉ કૃષિ વ્યવસ્થા ઉપલબ્ધ બને છે.