માતાનામઢ મંદિર સંકુલમાં શંકાસ્પદ વસ્તુઓ-મોબાઈલ-કેમેરા-શ્રીફળ લઇજવા પર પ્રતિબંધ
આસો નવરાત્રિ પર્વ આગામી તા.૨૨/૦૯/૨૦૨૫ થી તા.૦૧/૧૦/૨૦૨૫ તથા તા.૦૨/૧૦/૨૦૨૫ના દશેરા તહેવાર ઉજવવામાં આવનાર છે. દરમિયાન કચ્છ જિલ્લાના દયાપર પોલીસ સ્ટેશન હસ્તકના માતાનામઢ ખાતેના આશાપુરા માતાના મંદિરે નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં લોકો દર વર્ષે ભાગ લેવા આવે છે. જેના કારણે મંદિરમાં ખૂબ જ ભીડ થાય છે. વર્તમાન સમયમાં અગત્યનાં મંદિરોની સુરક્ષા નજરે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેમજ સુલેહ-શાંતિ જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રટશ્રી ડી.પી.ચૌહાણએ એક જાહેરનામા દ્વારા તા.૧૯/૦૯/૨૦૨૫ના વહેલી સવારે ૬ કલાકથી તા.૦૨/૧૦/૨૦૨૫ના રાત્રિના ૨૪ કલાક સુધી માતાના મઢ ખાતે આવેલ “આશાપુરા માતાજી” ના મંદિર સંકુલમાં મોબાઈલ, કેમેરા, શંકાસ્પદ વસ્તુઓ, શ્રીફળ લઇ જવાની મનાઇ ફરમાવેલ છે.
આ હુકમ અન્વયે સરકારી નોકરી પર કામ કરતી વ્યક્તિ એટલે કે તેના ઉપરી અધિકારીએ ફરમાવ્યું હોય અથવા કોઇ વસ્તુ લઇ જવાની ફરજ હોય. અથવા અધિકૃત કરેલ કોઇપણ પોલીસ અધિકારીએ જેને અધિકૃત કરેલા હોય અને તે લઇ જવાની પરવાનગી આપી હોય તેવી વ્યક્તિઓ. જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, પોલીસ અધિકારીશ્રી અથવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અથવા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી અધિકૃત કરે તેવી બીજી કોઇ વ્યક્તિઓને આ હુકમ લાગુ પડશે નહીં.
આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને ઓછામાં ઓછી ચાર (૪) માસની અને વધુમાં વધુ એક વર્ષની સજા થશે અને ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૫ (૧) મુજબ દંડની સજા થશે.
અંજના ભટ્ટી.