કચ્છ જિલ્લાનાં ૬ જેટલા ટોલ પ્લાઝા પર ટોલ ટેક્ષ ચૂકવી ને જ વાહન ટોલનાકાથી પસાર કરવા જિલ્લા કલેકટરશ્રીનું જાહેરનામું
કચ્છના તમામ વાહનો જિલ્લાના ટોલનાકા પર પસાર થતાં સમયે ઉભા રહે તથા સરકારશ્રીએ જાહેરનામાંથી નક્કી કરેલા ટોલ ટેક્ષ ચુકવીને જ પસાર થાય તે માટે જાહેર હિત અને જાહેર સલામતીના કારણોસર આદેશ કરવો જરૂરી જણાય છે.
કચ્છ-ભુજ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલા મોખા ટોલ પ્લાઝા, તા.મુન્દ્રા, સામખીયાળી ટોલ પ્લાઝા, સામખીયાળી તા.ભચાઉ-કચ્છ, સૂરજબારી ટોલ પ્લાઝા, તા.ભચાઉ, માખેલ ટોલ પ્લાઝા તા.રાપર, ધાણેટી ટોલ પ્લાઝા તા.ભુજ, ભીરંડીયારા ટોલ પ્લાઝા તા.ભુજના ટોલનાકાઓ પરથી પસાર થતા નાના મોટા તમામ વાહનોના ચાલકોએ તેમનું વાહન ટોલ નાકા પર ઠરાવેલી નિશ્ચિત જગ્યાએ થોભાવવું તથા સરકારશ્રીએ નક્કી કરેલો ટોલ ટેક્ષ ચૂકવી તેની પહોંચ મેળવી અથવા નિયમોનુસાર મુક્તિ મળવાપાત્ર હોય તો તેનું કાર્ડ કે પાસ ટોલ પ્લાઝાના કર્મચારી, એજન્ટ કે નોકરને બતાવીને તે બાદ જ ટોલનામું પસાર કરવું. વિશેષમાં ટોલનાકાથી વાહન પસાર થવાની જગ્યાએ પોતાની ખાનગી માલિકીની જમીનમાંથી બાયપાસ થઇ વાહન પસાર થઇ શકે તેવો કોઇ બાયપાસ રસ્તો વાહન ચાલકોને પુરો પાડવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૨૧૫ની આદેશાત્મક જોગવાઇઓ ધ્યાને લઇ આ જાહેરનામાનાં ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે ગુના કામે આ જાહેરનામા હેઠળ તપાસ કરવાના, જાહેરનામાના પાલન કરાવવાના અને તપાસના અંતે ફરિયાદ રજૂ કરવાના અધિકાર જિલ્લાના પોલીસ અધિકારીશ્રીઓ તેમજ હેડ કોન્સ્ટેબલ કે તે ઉપરના કર્મચારીઓને રહેશે.
આ હુકમ સમગ્ર કચ્છ જિલ્લાના સમગ્ર વિસ્તાર માટે લાગુ પડશે. આ જાહેરનામું તા.૧૫/૧૧/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
અંજના ભટ્ટી