અરવલ્લી જિલ્લાના ટીંટોઇમાં તસ્કરોએ તરખાટ મચાવતા એક રાતમાં ચાર મકાનના તાળા તોડી રોકડ સહિત દાગીનાની તસ્કરી કરી પલાયન થઇ ગયાની ઘટના સામે આવી છે. હાલ ઉનાળાની ઋુતુ છે ત્યારે કાળઝાળ ગરમીમાં લોકો રાત્ર ધાબા પર સૂવાનું પસંદ કરી રહ્યા છે જેનો લાભ તસ્કરો ઉઠાવી રહ્યા છે. રાત્રે ધાબા પર સૂતા પરિવારોના મકાનોમાં તસ્કરોએ હાથ સાફ કરી નાખ્યા. મોડાસા તાલુકાના ટીંટોઇ ગામે રાત્રીના અરસામાં તસ્કરોએ એકસાથે ચાર જેટલા મકાનોને નિશાન બનાવ્યું અને તસ્કરીની ઘટનાને અંજામ આપ્યો છે. ટીંટોઇ ગામે ભોગ બનનાર પરિવારો ગરમીને કારણે રાત્રે ધાબા પર મીઠી નીંદર માણી રહ્યા હતા, ત્યારે તસ્કરો એ ઘરના તાળા તેમજ દરવાજા તોડી ઘરમાં પ્રવેશ્યા હતા. તસ્કરોએ ઘરમાં પ્રવેશી તિજોરીમાં રહેલા ઘરેણાં અને રોકડ રકમની તસ્કરી કરી પલાયન થઈ ગયા હતા. એટલું જ નહીં તમામ મકાનોમાં તસ્કરોએ બધો જ સમાન વેર વિખેર કરીને ફરાર થઇ ગયા હતા. ભોગ બનનાર પરિવારો ના જણાવ્યા મુજબ તસ્કરો ચાર મકાનમાંથી કુલ સવા બે લાખની મત્તાની તસ્કરી કરી પલાયન થઇ ગયા છે. આ અંગે મોડાસા રૂરલ પોલીસને જાણ કરતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.