અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત ખેડૂતોને સરવે બાદ નિયમોનુસાર સહાય અપાશે


કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલે આજરોજ કચ્છ જિલ્લાના રાપર તાલુકાના અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત માખેલ ગામની મુલાકાત લઈને ખેડૂતો સાથે સીધો જ સંવાદ કર્યો હતો. કૃષિ મંત્રીશ્રીએ કચ્છ જિલ્લાના કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં અતિવૃષ્ટિ બાદ પાકની સ્થિતિ અંગે ખ્યાલ મેળવ્યો હતો. જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી કિરણસિંહ વાઘેલા સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓએ ભારે વરસાદથી કૃષિ નુકસાન અને હાલની સ્થિતિ અંગે મંત્રીશ્રીને અવગત કર્યા હતા. કૃષિ મંત્રીશ્રીએ ધરતીપુત્રો સાથે સીધો જ સંવાદ કરીને તેમની પાક નુકશાની અંગે જાણકારી મેળવી હતી. સરકાર દ્વારા હાલમાં ચાલી રહેલા પાક નુકશાની સરવે વિશે કૃષિ મંત્રીશ્રીએ અધિકારીશ્રીઓ પાસેથી વિગતો મેળવી હતી. રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોના હિત માટે પ્રતિબદ્ધ રહી છે તેમ કૃષિમંત્રીશ્રીએ સરવે બાદ નિયમોનુસાર ઝડપથી સહાય અપાશે તેમ જણાવ્યું હતું.
આ મુલાકાત દરમિયાન ભચાઉના ઇન્ચાર્જ પ્રાંત અધિકારીશ્રી એસ.જે. ચૌધરી, કચ્છ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી કિરણસિંહ વાઘેલા, નાયબ બાગાયત નિયામકશ્રી મનદીપ પરસાણિયા, આત્માના પ્રોજેક્ટ ડીરેક્ટરશ્રી પી.કે.તલાટી, નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)શ્રી પી.કે.પટેલ, મદદનીશ ખેતી નિયામકશ્રી શાંતિલાલ પ્રજાપતિ અને શાર્દુલ પટેલ સહિત પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.