ભારત સરકારના કૃષિ-ડેરીના ઉદ્યોગના હિતમાં લેવાયેલા નિર્ણયથી લાભાન્વિત થનાર કચ્છના પશુપાલકો તથા સહકારી મંડળીના સભ્યો વડાપ્રધાનશ્રીને પોસ્ટકાર્ડ લખી અભિનંદન પાઠવશે

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વૈશ્વિક સ્તરે અનેક સિદ્ધિઓ હાંસલ કરી રહ્યો છે. ત્યારે વડાપ્રધાનશ્રીએ સહકારિતા મંત્રાલયને અલગ મંત્રાલય બનાવીને સહકારીતાના વિઝનને આગળ ધપાવતા ૬૦ જેટલા ઈનિશ્યેટીવ્ઝ લીધા છે. જેનાથી સહકારી મંડળીઓને અનેક ફાયદા પહોંચ્યા છે. ઉપરાંત તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા અમેરિકાથી કૃષિ-ડેરી ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ તથા જીએસટીમાં ઘટાડાના નિર્ણયથી સહકારી મંડળીઓ તથા દૂધ મંડળીઓને તેનો સીધો લાભ મળશે. ત્યારે પશુપાલકો અને સહકારી મંડળીઓના હિતમાં વડાપ્રધાનશ્રી દ્વારા લેવાયેલા આ દૃઢ નિર્ણયથી ખૂશ કચ્છના પશુપાલકો તથા સહકારી મંડળીના સભાસદો વડાપ્રધાનશ્રીને ૩.૯૦ લાખ પોસ્ટકાર્ડ પાઠવીને આભાર વ્યકત કરશે.
વર્ષ ૨૦૨૫ને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે. ઉપરાંત દેશનું સહકારી માળખું મજબૂત કરવા સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ હેઠળ ખેડૂતો, પશુપાલકો તથા યુવાઓને સહકારી ક્ષેત્રમાં જોડાવવા તથા રોજગારી તકો ઉભી કરવા વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં વિવિધ હિતલક્ષી નિર્ણયો તથા યોજનાઓ અમલી કરાઇ છે. જેનાથી સહકારી મંડળીઓના સભાસદોને વિવિધ લાભ થયા છે. સહકારી મંડળીઓ તથા દૂધ ઉદ્યોગને તેનો સીધો લાભ મળ્યો છે. આ ક્ષેત્રો વધુ મજબૂત અને સક્ષમ બને તે માટે તાજતેરમાં સ્વદેશી – વોકલ ફોર લોકલ- વિદેશથી કૃષિ – દૂધ પ્રોડકટ આવતી અટકાવવાનો નિર્ણય તથા જીએસટી દરમાં ઘટાડો કરાયો છે. જેનાથી ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા પશુપાલકો ખાસ કરીને આ ક્ષેત્ર સાથે જોડાયેલી ગ્રામીણ મહિલાઓ આત્મનિર્ભર બનશે. વડાપ્રધાનશ્રીના સહકારી ક્ષેત્રને મજબૂત તથા પશુપાલકોને સક્ષમ બનાવવાના આ નિર્ણયથી લાભાન્વિત થનાર કચ્છના સહકારી મંડળીના સભાસદો તથા પશુપાલકો પોસ્ટકાર્ડના માધ્યમથી પોતાની લાગણી વ્યકત કરીને વડાપ્રધાનશ્રીનો દિલથી આભાર વ્યકત કરશે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા સહકાર મંત્રાલય શરૂ કરવા અને સહકાર મંત્રાલય દ્વારા ખેડૂતો પશુપાલકોના હિતમાં સહકારથી સમૃદ્ધિ પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ ઈનીશીએટિવ્ઝ, જી.એસ.ટી અને સ્વદેશી અભિયાનને વેગવંતુ બનાવવા માટે અત્યારસુધી લેવાયેલા હિતલક્ષી નિર્ણયો બદલ કચ્છના દૂધ સંઘ, કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક તથા ગુકોમાસોલ દ્વારા ૩.૯૦ લાખ પોસ્ટકાર્ડ લખી વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કરશે. ૩૦ સપ્ટેમ્બર સુધી તમામ પોસ્ટકાર્ડ વડાપ્રધાનશ્રીને પાઠવી દેવાશે. ત્યારે આજરોજ કચ્છ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ, ગુજકોમાસોલ અને કચ્છ જિલ્લા સહકારી સંઘના સહકારથી કચ્છ જિલ્લાની સહકારી મંડળીઓએ વડાપ્રધાનશ્રીને પોસ્ટકાર્ડથી અભિનંદન પાઠવ્યા હતા.
આ અંગે સરસપરના નિકીતાબેન ગાગલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના દેશબહારથી આયાત કરાતી કૃષિ અને ડેરીના ઉત્પાદનો પરની રોકના કારણે પશુપાલકો તથા સહકારી મંડળીઓને ખૂબ ફાયદો થશે. ખાસ કરીને અમારા જેવી ગ્રામીણ મહિલાઓ વધુ આત્મનિર્ભર બનશે ત્યારે પોસ્ટકાર્ડના માધ્યમથી અમે અમારા દિલની વાત વડાપ્રધાનશ્રીને પહોંચાડીને તેનો આભાર વ્યકત કરશું.