રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ દ્વારા નિરોણા મધ્યે વિજ્યાદશમી ઉત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરાઇ…

પાવરપટ્ટીના મુખ્ય ગામ નિરોણા મધ્યે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજ્યાદશમીના ઉત્સવ નિમિતે એક ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કાનજીભાઈ પરબતભાઈ બત્તા તેમજ મુખ્ય વક્તા તરીકે શ્રી ધનજીભાઈ ગોવિંદભાઈ ગોરશીયા ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ ની શરૂઆતમાં નિરોણા ગામના મુખ્ય માર્ગો પર સંઘના પૂર્ણ ગણવેશમાં ઘોષ (બેન્ડ) સાથે પથ સંચલન (રૂટ માર્ચ) કરવામા આવેલ હતુ, ત્યાર બાદ મેદાન પરના કાર્યક્રમમાં શસ્ત્ર પૂજન અને વક્તા શ્રી ધનજીભાઈ ગોરશીયાનું બૌધિક થયેલ હતુ.
વિશ્વના સૌથી મોટું સ્વયંસેવી સંગઠન એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ઇ.સ. ૧૯૨૫ માં વિજ્યાદશમીના પાવન દિવસે જ થઇ હતી. આ વર્ષે આર.એસ.એસ. ને ૧૦૦ વર્ષ પૂર્ણ થતા સમગ્ર દેશ સંઘ શતાબ્દી વર્ષ ઉજવી રહ્યું છે. કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રી ધનજીભાઇએ તેમના ઉદબોધનમાં હિંદુ ધર્મમાં વિજ્યાદશમી ઉત્સવના મહત્વ વિષે વાત કરીને જણાવ્યું હતુ કે રાષ્ટ્ર ઉત્થાન માટે ડૉ કેશવ બલીરામ હેડગેવારજીએ દ્રઢ સંકલ્પ કર્યો હતો. દેશની ત્યારની પરીસ્થિત અને દેશના હિંદુ સમાજની સ્થિતિનો વર્ષો સુધી ઊંડાણપૂર્વક અભ્યાસ કરી હિંદુ સમાજને સંગઠિત કરી ભારત માતાને પરમ વૈભવના શિખર પર બિરાજીત કરવા તથા ભારતને પુન: વિશ્વગુરુ બનાવવાના લક્ષ્ય સાથે સંઘની સ્થાપના કરવામા આવેલ હતી. ડોક્ટર સાહેબના સખત પરિશ્રમ અને પ્રયાસોના કારણે ૧૯૪૦ સુધી સંઘ ભારતના દરેક પ્રાંત (રાજ્ય) સુધી પહોંચી ગયો હતો. ત્યારબાદના પુજ્ય સરસંઘચાલક ગુરુજીના સમયમાં સંઘનો વ્યાપ્ત વધીને દેશના દરેક જીલ્લા સુધી પહોંચ્યો. અલગ અલગ સમયે સંઘના સ્વયંસેવકો દ્વારા જ ઘણા બધા ક્ષેત્રોમાં રાષ્ટ્રહિત સર્વોપરીના વિચાર સાથે વિવિધ ક્ષેત્રોનું કામ શરૂ થયું. જેમકે વિદ્યાર્થી ક્ષેત્રમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, મજદૂર ક્ષેત્રમાં ભારતીય મજદૂર સંઘ, ખેડૂતો માટે ભારતીય કિસાન સંઘ, ધાર્મિક ક્ષેત્રે વિશ્વ હિંદુ પરિષદ વગેરે. સંઘ સ્થાપનની શરૂઆતથી કરીને વર્તમાન સમય સુધીની ૧૦૦ વર્ષની સંઘ યાત્રા દ્વારા રાષ્ટ્ર માટે થયેલા વિવિધ કર્યોની પણ માહિતી તેમણે આપેલ હતી. આવનારા સમયમાં રાષ્ટ્રની ઉન્નતી માટે સંપૂર્ણ સમાજ પર્યાવરણ, કુટુંબ પ્રબોધન, સામાજિક સમરસતા, સ્વદેશી તથા નાગરિક કર્તવ્ય એવા પાંચ પરિવર્તનના વિષયો પર વિચાર કરીને કાર્ય કરવાની અપેક્ષા પણ તેમણે વ્યક્ત કરી હતી. વળી, વિજ્યાદશમીના પાવન પર્વે હજારો વર્ષ જૂની પરંપરા મુજબ શસ્ત્ર પૂજન કરવામાં આવેલ હતુ તેમજ ગ્રામજનો માટે રાષ્ટ્રવાદી પુસ્તકોની પ્રદર્શની પણ રાખવામાં આવેલ હતી.
આ કાર્યક્રમાં સહભાગી થવા સમગ્ર તાલુકામાંથી અગ્રણીઓ તેમજ સમાજના દરેક વર્ગના ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.