જનવિશ્વાસ, સેવા અને સમર્પણના ૨૪ વર્ષ : વિકાસ સપ્તાહ વિશેષ

રાજ્યમાં મધ્યમવર્ગના સામાજિક અને આર્થિક ઉત્થાન માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. આવી વિવિધ કલ્યાણકારી યોજનાઓના અમલથી સામાન્ય જનજીવન વિકાસ તરફ આગળ વધ્યું છે. આવું જ હકારાત્મક પરિવર્તન લાવી મધ્યમવર્ગના સપના સાકારિત કરતી સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના છે. જેમાં મધ્યમવર્ગના આવાસવિહોણા લાભાર્થીઓને પાક્કું મકાન બાંધવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે. આવા જ એક કુનરીયા ગામના મહેશભાઈ વાણીયા આ યોજનાના લાભાર્થી છે.
કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના કુનરીયા ગામના પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના લાભાર્થી મહેશભાઈ પુંજાભાઈ વાણીયા જણાવે છે કે, તેઓ શરૂઆતમાં ગાર-માટીના કાચા ભાડાના મકાનમાં વસવાટ કરતા હતા. ચોમાસા દરમિયાન તેમના આખા ઘરમાં પાણી ટપકતું, શિયાળા અને ઉનાળામાં પણ તકલીફ થતી હતી. મહેશભાઈને ઘરના લોકોની તકલીફ જોઈ ખૂબ દુ:ખ થતું હતું. ખેત મજૂરી કરી માંડ માંડ ઘરનું ગાડુ ચાલતું હતું. ત્યાં પાક્કા ઘરનું સપનું કેવી રીતે સાકાર કરવું તેની ચિંતા હતી.
મહેશભાઈ વધુમાં જણાવે છે કે, સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ વિશે એક દિવસ મને ગામના આગેવાનો પાસેથી માહિતી મળી હતી. આ યોજના હેઠળ પાકુ મકાન બનાવવા સહાય મળે છે. જેથી મે આવાસ યોજનાનું વધુ માર્ગદર્શન લઈ આવાસની સહાય માટેનું ફોર્મ ભર્યું. સરકારની યોજનામાં મારી અરજી મંજૂર થઈ અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂ. ૧,૨૦,૦૦૦/- મકાન બાંધવા માટેની સહાય મળી. આ સહાયની મદદથી તથા પરિવારની થોડી બચતથી અમે પાક્કું મકાન બનાવ્યું.
મહેશભાઈએ આનંદની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજનાથી મારું  “ઘરનું ઘર” અને “પાક્કા ઘરનું” સ્વપ્ન સાકાર થયું છે. આજે હું અને મારું કુટુંબ ખૂબ જ ખુશ છીએ. હું અને મારા કુટુંબીજનો વડાપ્રધાનશ્રી તથા ગુજરાત સરકારનો આભાર માનીએ છીએ.
પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લક્ષ્ય મધ્યમ વર્ગ અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘરવિહોણા લોકોને સમયબદ્ધ આવાસો પૂરા પાડવાનું છે. જે વ્યક્તિઓ ખુલ્લો પ્લોટ ધરાવતા હોય, તદ્દન કાચું ગાર માટીનું, જે રહેઠાણ યોગ્ય મકાન ન હોય તેવું મકાન ધરાવતા હોય તેવા મકાન બાંધવા ઈચ્છતા નાગરિકોને રૂ.૧,૨૦,૦૦૦ની સહાય આ યોજના અંતર્ગત અનુક્રમે ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવે છે.
– જિજ્ઞા પાણખાણીયા