ભચાઉ આરોગ્ય કેન્દ્ર ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ

      ભચાઉ આરોગ્ય કેન્દ્ર ખાતે તાલુકા હેલ્થ ઓફિસર ડો.નારાયણ સિંઘ, સી.એચ.સી ભચાઉ અધિક્ષક ડૉ. કુમાર અને અર્બન મેડિકલ ઓફિસર ડૉ. તુષારના માર્ગદર્શન હેઠળ “વિકાસ સપ્તાહ”ની ઉજવણીના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય શિબિર, રેલી તેમજ વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે કિશોરીનું વજન, ઊંચાઈ, બી.એમ.આઈ તેમજ એચ.બી કરવામાં આવ્યું હતું. દીકરીઓને પ્રોત્સાહન ઇનામ આપી સન્માનિત કરાઈ હતી.

            શિબિરમાં સ્વચ્છતા, પોષણ, શિક્ષણ તેમજ દિકરો અને દીકરી એક સમાન છે, બેટી બચાવો બેટી પઢાઓ, પી.સી.પી.એન.ડી.ટી. એક્ટ, રસીકરણ, કુપોષણ મુક્ત ગુજરાત,  પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, ટી.બી. મુક્ત, પાણી અને વાહકજન્ય રોગ અટકાયતી પગલાઓ, હાથ ધોવાની પદ્ધતિ વગેરે વિશે માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં મહિલા બાળ અધિકારીશ્રી અવની રાવલ, ગાયનેક તબીબ ડૉ. પાર્થ ભટ્ટ, તાલુકા હેલ્થ સુપરવાઈઝર દિપકભાઈ દરજી, જયશ્રીબેન કરમટા, એડોલેશન્ટ હેલ્થ કાઉન્સેલર દિશા સુથાર, એલ.ટી શ્રી પ્રદીપભાઈ પટેલ સહિતના કર્મચારીઓ, કિશોરીઓ તેમજ આશા બહેનો ઉપસ્થિત રહ્યા હતાં