ભુજમાં સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે સાંધાના દુ:ખાવા અને મણકાની તકલીફ માટે  નિ:શુલ્ક નિદાન-સારવાર-સલાહ કેમ્પ યોજાશે

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નિયામકશ્રી, આયુષની કચેરી, ગાંધીનગર દ્વારા નિર્દેશિત નેશનલ આયુષ મિશન અંતર્ગત સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ દ્વારા આયુર્વેદ તથા હોમિયોપેથી અને યોગ દ્વારા સાંધાના દુ:ખાવા મણકાની તકલીફ તથા સિનિયર સિટિઝન માટે નિ:શુલ્ક નિદાન-સારવાર-સલાહ કેમ્પનું તા.૧૪ ઓક્ટોબર, મંગળવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે. જેનો સમય સવારે ૯:૦૦ થી ૧૨:૩૦ કલાકે તથા સાંજે  ૪:૦૦ થી ૫:૩૦ કલાક સુધીનો રાખવામાં આવ્યો છે.

આ કેમ્પમાં વા સાંધાના દુ:ખાવા, કમરના મણકાની તકલીફ, ખભાનો દુખાવો પગની એડીનો દુખાવો, પગની કણી જેવા રોગ માટે અગ્નિકર્મ ચિકિત્સા કરવામાં આવશે, માથામાં ટાલ (ઈન્દ્ર લુપ્ત) માટે ખાસ પ્રકારની સારવાર અપાશે, શિરાજગ્રંથી (વેરીકોજ વેઈન) માટે રક્તમોક્ષણ ચિકિત્સા શિરાવેધન ચિકિત્સા કરાશે. આ સાથે સિનિયર સિટિઝન (૬૦ વર્ષથી ઉપરના) દર્દીઓને ખાસ પ્રકારની સ્વાસ્થ્ય તથા શક્તિવર્ધક ઔષધ અપાશે, શરદી-ખાંસી-તાવ-કળતર-સાંધાના દુ:ખાવા વાયરસજન્ય તાવ સ્વાઈન ફ્લુ, કોવિડ, ડેન્ગ્યુ વગેરે માટે રોગ પ્રતિકારક શક્તિવર્ધક અમૃતપેય ઉકાળાનું પણ વિતરણ કરાવવામાં આવશે તેવું વૈદ્ય પંચકર્મ વર્ગ-૧ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.