દિયોદર પોલીસ સ્ટેશનમાં કચ્છના વતની ફોજદાર લાંચ લેતા પકડાયા

ભુજ દારૂ કેસમાં જામીન મળી જાય તેવા કાગળો બનાવવા તથા રિમાન્ડમાં હેરાન ન કરવાના બદલામાં મૂળ કચ્છના વતની એવા પોલીસ સબ ઇન્સ્પેકટર પ્રદ્યુમનસિંહ જુવાનસિંહ જેઠવા દિયોદર પોલીસ સ્ટેશનમાંથી 20 હજાર રૂપિયાની લાંચ લેવાના એ.સી.બી.ના છટકામાં રંગે હાથ પકડાઈ જતાં ભારે ચકચાર જાગી છે. એસીબીના સત્તાવાર સાધનોએ જારી કરેલી વિગતો અનુસાર આ કામના ફરિયાદીના પિતાનું નામ દારૂના કેસમાં ખુલતાં અટકાયત થઇ હતી. ત્યારબાદ આ ગુનામાં પિતાને જામીન મળી જાય તેવા કાગળો તૈયાર કરવા તથા રિમાન્ડ દરમ્યાન હેરાન ન કરવાના બદલામાં રૂ. 20 હજારની રકમ આક્ષેપિત એવા પ્રદ્યુમનસિંહે માંગી હતી. પરંતુ જાગૃત એવા આ ફરિયાદીએ આ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે લાંચ રૂશ્વત શાખાનો સંપર્ક કરતાં એસીબીએ આ સમગ્ર છટકુ ગોઠવી બનાસકાંઠાના સિહોરી પોલીસ સ્ટેશનના પીએસઆઇ અને દિયોદરના ઇન્ચાર્જ વર્ગ-3ના અધિકારી પ્રદ્યુમનસિંહને દિયોદર પોલીસ સ્ટેશનમાં 20 હજારની લાંચ લેતા પકડી પાડ્યા હતા. આ છટકાની સફળ કામગીરી એ.સી.બી. બોર્ડર એકમ-ભુજના મદદનીશ નિયામક કે. એચ. ગોહિલના માર્ગદર્શન તળે પીઆઇ કે.જે. પટેલ તથા બનાસકાંઠા એસીબી પોલીસ સ્ટેશનના સ્ટાફે પાર પાડી હતી.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *