રાષ્ટ્રગીત “વંદે માતરમ્ @૧૫૦” વર્ષની ઉજવણી

વર્ષ ૧૯૫૦માં રાષ્ટ્રીય ગીત તરીકેની માન્યતા મેળવનાર વંદે માતરમ્ ગીતે ભારતની આઝાદીની લડતના તબક્કામાં સ્વાતંત્ર્યવીરોમાં એકતા સાથે અનેરો ઉત્સાહ ભરીને દેશવાસીઓને એકતાંતણે બાંધ્યા હતા. આ ગીતને પ્રસિધ્ધ થયાને ૧૫૦ વર્ષની ઉજવણી ભારત તથા રાજ્ય સરકાર કરી રહી છે ત્યારે નાગરિક તરીકે આપણી પણ ફરજ છે કે, આપણા રાષ્ટ્રગીતની ઉજવણીમાં આપણે સહભાગી બનીએ તથા ભારતના વિકાસમાં પોતાનો ફાળો આપીએ તેવો અનુરોધ ભુજની આર.ડી વરસાણી હાઇસ્કુલમાં અભ્યાસ કરતા રાજ્યકક્ષાના એથ્લેક્ટીકસ ખેલાડી રાજ પીંડોળીયાએ કર્યો હતો.
રમતગમતમાં સરહદી કચ્છનું નામ રાજ્યકક્ષાએ રોશન કરનાર રાજે જણાવ્યું હતું કે, કવિ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચિત ગીત વંદે માતરમ્ ભારતની રાષ્ટ્રીય એકતાનું પ્રેરણાસ્ત્રોત છે. આ ગીતે ભારતને રાષ્ટ્રપ્રેમ, આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક ગૌરવનો સંદેશ આપ્યો છે. વર્તમાન સમયમાં ભારત જ્યારે વિકસિત ભારતનું સ્વપ્ન સેવી રહ્યું છે ત્યારે મારી દરેક યુવાઓને અપીલ છે કે, આપણે તન,મન અને ઘનથી દેશના વિકાસમાં સહભાગી બનીએ તથા સ્વદેશીને અપનાવી દેશની આર્થિક ઉન્નતિમાં ફાળો આપીએ.