આજે ભુજનો 478 મુ સ્થાપના દિવસની ઉજવણી કરાઈ…

કચ્છનું પાટનગર ગણાતું ભુજ આજે પોતાના 478માં સ્થાપના દિવસની ઉજવણી કરી રહ્યું છે. શહેરના ઈતિહાસમાં આ દિવસને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. સવંત 1605માં કચ્છના મહારાવ ખેંગારજી ૧ દ્વારા દરબારગઢ ખાતે ખીલી ખોડી ભુજ શહેરની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી આજદિન સુધી ખીલીપૂજનની પરંપરા સતત જળવાઈ છે. રાજવી સમયમાં આ વિધિ કચ્છના મહારાજા પોતાના હસ્તે કરતા હતા. સમય બદલાયો, રાજવી પરંપરા પ્રજાસત્તાક યુગમાં પહોંચી, પરંતુ સંસ્કૃતિની પ્રાચીન પરંપરાને ભુજ નગરપાલિકા આજે પણ યથાવત નિભાવી રહી છે. દર વર્ષે શહેરના સ્થાપના દિવસે ભુજ નગરપાલિકાના હોદ્દેદારોના હસ્તે ખીલીપૂજન વિધિ કરવામાં આવે છે. આજે પણ આ વિધિ ભવ્ય રીતે યોજાઈ, જેમાં નગરપાલિકાના ઉપપ્રમુખ ઘનશ્યામ ઠક્કર, પાદુકારીઓ કશ્યપ ગોર સહિત નગર પાલિકાના કાઉન્સિલરો, ભાજપ આગેવાનો, શહેરજનો અને અનેક સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ભુજની સ્થાપના પછીના સદીઓથી ભુજ શહેર અનેક કસોટીઓમાંથી પસાર થયું છે કુદરતી આફતો, વિનાશક ભૂકંપ, આગ, દુષ્કાળ જેવી પરિસ્થિતિઓએ ભૂજ શહેરને પડકાર્યા, પરંતુ ભુજ દર વખત નવા ઉમંગ ઉર્જા સાથે ઉભું થયું છે. સંસ્કૃતિ, વેપાર, શિક્ષણ અને પરંપરાનું કેન્દ્ર ગણાતું ભુજ આજે પણ કચ્છનો હૃદયસ્થાન ગણાય છે. સ્થાપના દિવસની ઉજવણી દ્વારા નગરજનોમાં વારસા પ્રત્યે ગૌરવ અને શહેર પ્રત્યેનો લગાવ ફરી તાજો થયો છે. ભુજના ઈતિહાસ અને પરંપરાની આ ઉજવણી શહેરના વિકાસ અને સંસ્કૃતિક વારસાની જાળવણીનું પ્રતીક બની છે.