નખત્રાણામાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં સારસ્વતમ્ સંચાલિત પી.એ. હાઇસ્કૂલ, નિરોણાના સૌથી વધુ ૭ વિદ્યાર્થીઓ ઝળક્યા

મૂલ્યો, નૈતિકતા અને આદર્શોના બીજારોપણ સમી ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, શાંતિકુંજ–હરિદ્વાર દ્વારા દેશવ્યાપી રીતે ભારતીય સંસ્કૃતિનું જતન અને સંવર્ધન કરવા અવિરત યોજાય છે. ભારતીય સંસ્કૃતિને વિશ્વ સંસ્કૃતિની પર્યાય માનવામાં આવે છે. માનવ સભ્યતાનો વિકાસ એના ગર્ભમાંથી થયો છે, જે જ્ઞાનની અનેક વિદ્યાઓને જન્મ આપીને સમગ્ર વિશ્વને પોતાના અનુદાનોથી સમૃદ્ધ બનાવી છે. કોઈ એક દેશ, જાતિ, ધર્મ કે સમાજ સુધી સીમિત ન રહી, આ સંસ્કૃતિ સમગ્ર માનવજાતિના કલ્યાણ માટે પથદર્શન કરતી આવી છે.
અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા વર્ષ ૨૦૦૧ થી સમગ્ર કચ્છ જિલ્લામાં આ પરીક્ષા નિયમિત રીતે યોજાય છે. મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય સંસ્કૃતિની ગૌરવશાળી પરંપરા, ઇતિહાસ અને જીવનમૂલ્યો વિષે જાગૃતિ લાવવાનો અને બાળકોના હૃદયમાં સંસ્કાર, નૈતિકતા અને આદર્શોના બીજ પ્રસ્થાપિત કરવાનો છે. આ પરીક્ષા ધોરણ ૫ થી લઈને કોલેજના બીજા વર્ષ સુધીના વિદ્યાર્થીઓ માટે લેવામાં આવે છે. આ વર્ષે પણ સમગ્ર કચ્છમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી – ત્રણેય માધ્યમોમાં પરીક્ષા યોજાઈ હતી.
સારસ્વતમ્ સંચાલિત પી.એ. હાઇસ્કૂલ, નિરોણાએ આ પ્રતિષ્ઠિત ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં નખત્રાણા તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ પરિણામ નોંધાવી શાળાનું ગૌરવ વધાર્યું છે. કુલ ૭ વિદ્યાર્થીઓએ ૧ થી ૩ ક્રમ મેળવતાં શાળાએ તાલુકામાં સર્વોત્તમ સ્થાન હાંસલ કર્યું છે.
ધોરણ ૧૦માં મનીષાબા ધીરુભા સોઢા – પ્રથમ, હેતલ રવજી આયર – ત્રીજું સ્થાન, ધોરણ ૧૧માં નીતા ગુણવંતભાઈ ચારોલિયા – પ્રથમ, વંશી નિતીનભાઈ ભાનુશાલી – દ્વિતીય, ધોરણ ૧૨માં કોમલ શામજી આહીર – પ્રથમ, કંચન હરિલાલ ગરવા – દ્વિતીય અને રિદ્ધિ અરવિંભાઈ મહેશ્વરી – ત્રીજું સ્થાન પ્રાપ્ત કરેલ હતુ.
નખત્રાણા તાલુકામાં સૌથી વધુ ગુણવત્તાસભર પરિણામ પ્રાપ્ત કરનાર શાળા તરીકે સારસ્વતમ્ સંચાલિત પી.એ. હાઇસ્કૂલે ફરી એક વખત શૈક્ષણિક ક્ષેત્રે પોતાની તેજસ્વી ઓળખ પ્રસ્થાપિત કરી છે.
આ સિદ્ધિ બદલ શાળાના ટ્રસ્ટીશ્રીઓ, આચાર્ય શ્રી ડૉ. વિષ્ણુભાઈ ચૌધરી, નખત્રાણા તાલુકા પરીક્ષા સંયોજક તથા શાળાના શિક્ષક અલ્પેશભાઈ જાની તેમજ સમગ્ર શાળા પરિવારે તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ દેખાવ કરનાર તમામ વિદ્યાર્થીનીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા અને જિલ્લા કક્ષાની આગામી પરીક્ષા માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.