રાજ્ય સરકારે સંસ્કૃત ભાષાના ગૌરવ અને રક્ષણ માટે પંચકમ યોજના શરૂ કરી :  શ્રીમદ્ ભગવદ્ ગીતા યોજના અંતર્ગત શ્લોક ગાન સ્પર્ધામાં નાગરિકોએ ભાગ લીધો

આપણી પ્રાચીન દેવ ભાષા સંસ્કૃતના રક્ષણ, ગૌરવ અને સંસ્કૃત ભાષાનો બહોળો પ્રચાર પ્રસાર થાય તે હેતુસર ગુજરાત સરકાર અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે યોજના પંચકમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે શ્રીમદ્ ભગવદ્ ગીતા યોજના અમલી કરાઈ છે. જે અનુસંધાને રાજ્યભરમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપર આધારિત વિવિધ પ્રકારની શ્લોક ગાન સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. કચ્છમાં બાળકોથી લઈને મોટા વડીલ ભાઈ – બહેનોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. એવા જ એક સંપૂર્ણ ગીતા પઠનમાં ભાગ લેનાર તથા ૭૦૦ શ્લોક કંઠસ્થ કરનારા ભુજ તાલુકાના માધાપર ગામના ગૃહિણી નેહાબેન તુષારભાઈ જોષીએ સરકારશ્રીની સંસ્કૃતના ગૌરવ અને સંરક્ષણ હેતુ શરૂ કરવામાં આવેલી પહેલ બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

નેહાબેને ગીતા અભ્યાસની યાત્રા વિશે વાત કરતાં જણાવ્યું હતુ કે, મે શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપર આધારિત સંપૂર્ણ ગીતા પઠન સ્પર્ધામાં ભાગ લીધો હતો. મને ગીતાના ૭૦૦ શ્લોક કંઠસ્થ છે, ગીતાના બધા જ શ્લોક યાદ કરતાં ૧ વર્ષનો સમય લાગ્યો હતો. હું રોજના ૩ શ્લોક સાથે આગળના દિવસે બીજા ૩ શ્લોક તૈયાર કરતી આ રીતે સતત એક વર્ષના અભ્યાસ બાદ મે ગીતા કંઠસ્થ કરી હતી. સંસ્કૃતના પ્રચાર પ્રસારના એક સરળ માધ્યમ તરીકે ઉપયોગી ગીતા માત્ર ધાર્મિક ગ્રંથ નથી પરંતુ જીવન ગ્રંથ પણ છે, તેના વિશે વાત કરતા નેહાબેને જણાવ્યું હતું કે, ગીતાના પ્રત્યેક શ્લોક આપણા જીવનના પ્રશ્નોનોનું નિરાકરણ કરે છે. દરેક વયના લોકોને ગીતા કર્મ, ગુણો, ભક્તિ, જીવન જીવવાની રીત, યોગ્ય આહાર અને કર્તવ્ય વિશે માર્ગદર્શન આપે છે. સંસ્કૃતના શ્લોકોના પઠનથી વાતાવરણ શુદ્ધ થાય છે જેથી આપણે માનસિક રીતે સ્વસ્થ થઈએ છીએ.

નેહાબેને જણાવ્યું હતું કે, ભાવી પેઢી સુધી સંસ્કૃત અને ગીતાના જ્ઞાનને પહોચાડવા માટે કરવામાં આવી રહેલી સંસ્કૃત ભાષાના સંરક્ષણની નવતર પહેલ અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્ય સરકાર ઉમદા અને સરાહનીય કામગીરી કરી રહી છે. તેમજ મારા જેવા સંસ્કૃતના પ્રચારકોને પ્રોત્સાહિત કરી રહી છે, જે બદલ સરકારનો હદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે જ નાગરિકોને અપીલ કરતાં નેહાબેને ઉમેર્યું હતું કે, આપણે પણ આ પહેલનો ભાગ બનીએ અને પ્રાચીન સંસ્કૃત ભાષાને ઘર ઘર સુધી પહોંચાડવા પ્રયત્નશીલ બનીએ.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર દ્વારા સમ્રગ રાજ્યમાં આગામી માગસર સુદ એકાદશી, તા.૦૧/૧૨/૨૦૨૫ના શુભ દિવસે ગુજરાતના તમામ જિલ્લા મથકે ગીતા જયંતીની ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે જે અંતર્ગત કચ્છ જિલ્લામાં પણ ગીતા જયંતિની ભવ્ય ઉજવણી કરાશે.

–     જિજ્ઞા પાણખાણીયા