યુનેસ્કોની અમૂર્ત ધરોહર યાદીમાં દીપાવલીના સંભવિત સમાવેશને પગલે કચ્છમાં “ઇન્ટેન્જિબલ દીપાવલી” ઉજવણી


ભારતીય સંસ્કૃતિના સૌથી મોટા અને ભવ્ય પર્વ, ‘દિવાળી’ને યુનેસ્કો દ્વારા તેની ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’ (Intangible Cultural Heritage – ICH)ની પ્રતિષ્ઠિત સૂચિમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. આ નિર્ણય માત્ર ભારત માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે આનંદ અને ગૌરવનો વિષય છે. આ ઐતિહાસિક સિદ્ધિ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને તેની ઉજવણીની વૈશ્વિક સ્વીકૃતિને દર્શાવે છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારે હંમેશા ભારતના સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક ઓળખ અપાવવા માટે સાર્થક અને સતત પ્રયાસો કર્યા છે. આ પ્રયાસોના ફળસ્વરૂપ જ આજે વિશ્વફલક પર આપણી પરંપરા, સંસ્કૃતિ અને ઉત્સવપ્રિયતા સમગ્ર વિશ્વમંચ પર પ્રભાવક રીતે પ્રગટ થઈ છે.

આ મહત્વપૂર્ણ ઉપલબ્ધિના અનુસંધાને, સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલય, ભારત સરકારની સૂચના અનુસાર, તા. ૧૦ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ રાજ્યના મહત્વના ઐતિહાસિક સ્મારકો તથા સાંસ્કૃતિક સ્થળોએ વિશેષ દીપ પ્રજ્વલન, રોશની સજાવટ અને રંગોળી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

દિવાળીના અપેક્ષિત સમાવેશની સંભાવનાને ધ્યાનમાં રાખીને, અને યુનેસ્કો દ્વારા સત્તાવાર જાહેરાત બાદ, યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા કચ્છમાં માંડવી બીચ, ધોરડો, ધોળાવીરા, કચ્છ મ્યુઝિયમ, સ્મૃતિવન, ભુજ રામકુંડ ખાતે દિપ પ્રજવલન, રંગોળી, ગરબા રમીને વિશેષ દીપોત્સવની ઉજવણી કરાઇ હતી. આ તકે સ્થાનિક કલાકારો અને સાંસ્કૃતિક સંસ્થાઓ દ્વારા ભારતીય પરંપરા અને સંસ્કૃતિને પ્રદર્શિત કરતા વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમો, નૃત્યો અને સંગીતની પ્રસ્તુતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીનો હેતુ વિશ્વ સમક્ષ ભારતની સાંસ્કૃતિક ઓળખને મજબૂત રીતે રજૂ કરવાનો તેમજ આ ગૌરવશાળી ક્ષણને સમગ્ર રાજ્યમાં ઉત્સાહપૂર્વક આવકારવાનો છે.

સમગ્ર ગુજરાત રાજ્યના ૩૩ જિલ્લાઓમાં જિલ્લા વહીવટી તંત્ર અને સાંસ્કૃતિક વિભાગના સહયોગથી વિવિધ ઐતિહાસિક સ્મારકો અને સાંસ્કૃતિક સ્થળોએ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

દિવાળીનો યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સૂચિમાં સમાવેશ એ માત્ર એક સિદ્ધિ નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિની વૈશ્વિક સ્વીકૃતિની મહોર છે. આ નિર્ણય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્ટિ અને ભારતની સાંસ્કૃતિક વિરાસતને સંરક્ષિત અને પ્રોત્સાહિત કરવાના સતત પ્રયાસોનું પરિણામ છે.