ભુજમાં અબજો રૂપિયાનો સાયબર ફ્રોડનો પર્દાફાશ…
copy image

ભુજમાં સાયબર ક્રાઇમ સેલ (એલ.સી.બી.) પશ્ચિમ કચ્છ દ્વારા કરોડો નહીં પરંતુ અબજો રૂપિયાના સાયબર ફ્રોડના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આરોપીઓએ જુદી જુદી બેન્કોમાં ખાતા ખોલાવી કુલ રૂપિયા 1,5,12,52,826 એક અબજ પાંચ કરોડ બાર લાખ બાવન હજાર આઠસો છવ્વીસ રૂપિયા મેળવ્યા હતા અને તેમાંથી ચેક દ્વારા રકમ ઉપાડી કમિશનના નામે લાભ મેળવી રહ્યા હતા.
પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ મ્યુલ એકાઉન્ટની માહિતીની સમન્વય પોર્ટલ પરથી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સાયબર સેલના નોડલ અધિકારી એચ.આર. જેઠી તથા પી.એસ.આઈ., જે.બી. જાદવ દ્વારા ટીમને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. તપાસ દરમિયાન સમન્વય પોર્ટલમાંથી મળેલી બેંક એકાઉન્ટની વિગતોનું એનાલિસિસ કરતા સાગર સિટીમાં રહેતા 29 વર્ષીય શુભમ હરીહર ડાભી ભુજવાળો સાયબર ફ્રોડમાં સંકળાયેલ હોવાનું બહાર આવ્યું હતું. તેના નિવેદનના આધારે વધુ બે વ્યક્તિઓ હિરાની નિવાસી છાડુરા અબડાસાના જીગર મહેંદ્રભાઈ પરગડુ HDFC બેન્કમાં નોકરી કરતા ભુજના અને ભાવિક સામે પણ સાયબર ફ્રોડમાં સંડોવણીના પુરાવા મળ્યા છે તેની વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે. આ કૌભાંડમાં કુલ 1 અબજથી વધુ રકમની છેતરપીંડી અંગે ત્રણે આરોપીઓ વિરૂદ્ધ ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુના રજીસ્ટર નંબર 1512, 2025 હેઠળ ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 336(2)(3), 340(2), 318(4), 317(2)(4), 61(2), 3(5) તથા IT Actની કલમ 66(C)(D) મુજબ ગુનો દાખલ કરાયો છે. આ કેસમાં મુખ્ય આરોપી શુભમ હરીહર ડાભીની ધરપકડ કરી તેને ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનના હવાલે સોંપવામાં આવ્યો છે. તપાસ વધુ ગહન થઈ રહી છે અને વધુ લોકો સંડોવાયેલા હોય તેવા અણસરો સામે આવી રહ્યા છે.