શહેરની ભાગોળે કંડલાની નજીક આવેલા ખાનગી ગોદામોમાં સરકારી સંસ્થા એવી નાફેડ દ્વારા ખરીદ કરવામાં આવેલી’ મગફળીનાં કૌભાંડનું ભૂત આજે ફરી ધૂણ્યું હતું. સૌરાષ્ટ્રના કોઇ વેપારીએ મગફળીમાં ધૂળ, ઢેફાં અને કાંકરા ભર્યા હોવાનો વીડિયો વાયરલ કર્યા બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના’ કિસાન સેલના પાલભાઇ આંબલિયા સહિતના લોકોએ ગોદામમાં જનતા રેઇડ કરી હતી અને આ ગોદામને સીલ કરી તપાસની માંગ કરી હતી. સૌરાષ્ટ્રથી અહીં દોડી આવેલા કોંગ્રેસ પ્રદેશ કિસાન સેલના પાલભાઇ આંબલિયાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં એક વેપારીએ મગફળીની બોરીમાંથી મગફળી સાથે ધૂળ, ઢેંફા ને કાંકરી નીકળવાનો વીડિયો વાયરલ કર્યો હતો. જેની અમે તપાસ કરતાં આ સરકારી મગફળી ગાંધીધામના ગોદામમાંથી આવી હોવાનું બહાર આવ્યું હતું. જેના પગલે અમે અહીં જનતા રેઈડ કરી હતી. તેમણે ગોદામમાં રહેલી બોરી તોડીને તેમાંથી પથ્થર, રેતી, કાંકરા કાઢી બતાવ્યા હતા. 3000 કરોડના આ મગફળી કાંડમાં જણાવાયું હતું કે વર્ષ 2017માં સરકાર દ્વારા મળતિયાઓની સહકારી મંડળીઓ પાસેથી આ મગફળી રૂા. 1444માં ખરીદવામાં આવી હતી એન મળતિયાઓને બખ્ખા કરાવાયા હતા. જે-તે સમયે આ અંગે વિરોધ થતાં અમુક ગોદામોમાં આગ લાગવાના બનાવો પણ બન્યા હતા
બાદમાં સંગ્રહાયેલી આ મગફળીનું વેચાણ બંધ રખાયું હતું. દરમ્યાન છેલ્લા 15-20 દિવસથી આ કૌભાંડવાળી મગફળીનું વેચાણ ચાલુ કરવામાં આવ્યું છે. 35 કિલોની આ બોરીમાં ઓછામાં ઓછા 11 કિલો માટી અને ઢેફાં નીકળે છે. જે-તે વખતે વધુ પૈસામાં સહકારી મંડળીઓ પાસેથી મગફળી ખરીદી કરી હાલમાં સીંગતેલના ભાવમાં ઊછાળો આવતાં રૂા. 840માં આ ઢેફાંવાળી મગફળી વેપારીઓને ધાબડવામાં આવે છે તેવું સૌરાષ્ટ્ર એ.પી.એમ.સી.ના પ્રમુખ અતુલભાઇ કમાણીએ જણાવ્યું હતું. હાલમાં મગફળીના ભાવ રૂા. 1000ની આસપાસ છે તો સરકાર શા માટે ઓછા ભાવમાં વેપારીઓને મગફળી આપી રહી છે તે સમજી શકાતું નથી. જે-તે વખતે મગફળી કૌભાંડનો વિરોધ થતાં અમુક ગોદામોમાં આગ લગાવાઇ હોવાનો આક્ષેપ કરાયો હતો પરંતુ જેમાં આવું કૃત્ય ન કરી શકાયું તે ગોદામોમાંથી હાલમાં મગફળી પગ કરી રહી છે. અહીં દોડી આવેલા કોંગ્રેસીઓએ આક્ષેપ કર્યો હતો કે, આ ગોદામ પણ સત્તાપક્ષ સાથે સંકળાયેલા લોકોના જ છે. અહીં આવેલા બે ગોદામમાંથી એકાદ લાખ બોરીનું વેચાણ કરી દેવામાં આવ્યું છે. દરરોજ 30થી 40 ગાડી બહાર જાય છે. એક ગાડીમાં 400 જેટલી બોરી ભરાતી હોવાનું જાણવા મળ્યું હતું. જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, તાલુકા અગ્રણી ગનીભાઈ માંજોઠી, શહેર કોંગ્રેસના ચેતન જોશી, લતીફ ખલીફા વગેરેએ અહીં જનતા રેઈડ કરી ત્યારે હાજર નાફેડના કર્મચારી, અધિકારીઓ અહીંથી નાસી ગયા હતા. તો બહાર ઊભેલી બોરી ભરેલી ટ્રકોને પણ રવાના કરી દેવામાં આવી હતી. આ જનતા રેઈડના પગલે મામલતદાર ચિરાગ હિરવાણિયા, નાયબ મામલતદાર જાવેદ સિંધી, વૈભવ વ્યાસ વગેરે ત્યાં દોડી આવ્યા હતા.