અંજાર તાલુકાના ટપ્પર ગામે ગેટકો દ્વારા પરવાનગી વગર ગામની વચ્ચેથી હાઈટેન્શન લાઈન નંખાતા ગ્રામજનોમાં આક્રોશ

ગ્રામજનો દ્વારા વિરોધ નોંધાવાતા પોલીસ દ્વારા સરપંચ અને ઉપસરપંચને ડીટેઈન કરી આશરે 25 ગ્રામજનોની પોલીસ દ્વારા અટકાયત કરાતા આમ આદમી પાર્ટીના પુર્વ કચ્છ પ્રમુખ ડો. કાયનાત અંસારી આથા સાથે અંજાર આમ આદમી પાર્ટીના રવિભાઈ આહીર અને મેહુલભાઈ આહીર દુધઈ પોલીસ સ્ટેશને દોડી ગયા

ગાંધીધામ : પુર્વ કચ્છમાં અવારનવાર કંપની દ્વારા કોઈને કોઇક કારણોસર દાદાગીરી કરી ગ્રામજનો તથા ખેડૂતોને પરેશાન કરવામાં આવી રહ્યા છે અને પોલીસ તેમનો હાથો બની રહી છે અને સરકાર મૂકપ્રેક્ષક બની રહી છે. ત્યારે અંજાર તાલુકાના ટપ્પર ગામમાં ગેટકો દ્વારા મંજુરી થયેલી જગ્યાના સ્થાને ગામની વચ્ચેથી જ હાઈટેન્શન લાઈન નાંખવાની કામગીરી કરવામાં આવતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો. અગાઉ ગ્રામજનો દ્વારા આ કામગીરી અટકાવાઈ હતી ત્યારે આજરોજ પોલીસ બંદોબસ્ત સાથે ગેટકો કંપની દ્વારા કોઈપણ જાતની પરવાનગી વગર હાઈટેન્શન લાઈન ગામની વચ્ચેથી નાંખવાની કામગીરી કરવામાં આવતા ગ્રામજનો દ્વારા વિરોધ નોંધાવાતા પોલીસ દ્વારા સરપંચ, ઉપસરપંચ સહિત ગામના આશરે 25 લોકોની અટકાયત કરવામાં આવી હતી. જે અંગે ગ્રામજનો દ્વારા આમ આદમી પાર્ટીના પુર્વ કચ્છ પ્રમુખ ડો. કાયનાત અંસારી આથાનો સંપર્ક કરતા તેઓ પોતાની ટીમ અંજાર તાલુકા પ્રમુખ રવિભાઈ આહીર અને અંજાર શહેર મહામંત્રી મેહુલ આહીર સાથે મળી દુધઈ પોલીસ સ્ટેશને ઘસી જઈ પોલીસ સામે ઉગ્ર રજુઆત કરી હતી.

ડો. કાયનાત અંસારી આથાએ આ અંગે જણાવ્યું હતું કે ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામની સીમમાંથી લાઈન પસાર કરવાની મંજુરી હોવા છતાં ગેટકો કંપની દ્વારા હાઈટેન્શન લાઈન ગામની વચ્ચેથી પસાર કરવામાં આવી રહી છે જે અંગે કોઈ પરવાનગી ન હોવાથી અગાઉ ગ્રામજનો દ્વારા વિરોધ નોંધાવાતા અને ગાંધીનગર સુધી રજુઆત કરાતા આ અંગેની કામગીરી બંધ કરવામાં આવી હતી પરંતુ ફરી આ કામગીરી ગેટકો દ્વારા ચાલુ કરાતા ગ્રામજનોએ વિરોધ નોંધાવી આ કામગીરી બંધ કરવામાં આવી હતી ત્યારે ગેટકો દ્વારા આજરોજ પોલીસ બંદોબસ્ત સાથે ટપ્પર ગામમાં કામગીરી શરૂ કરાતા ગ્રામજનોના વિરોધના કારણે પોલીસ દ્વારા સરપંચ, ઉપસરપંચ સહીત આશરે 25 ગ્રામજનોની અટકાયત કરવામાં આવી હતી જેમને દિવસભર ડીટેઈન કરવામાં આવ્યા હતા.

આ અંગે ડો. કાયનાત અંસારી આથા દ્વારા ઉગ્ર રજુઆત કરી આ અંગે જો ગામની વચ્ચેથી લાઈન નાંખવાની પરવાનગી હોય તો તે રજુઆત કરવા જણાવાયું છે, અને આગામી દિવસોમાં આ અંગે ગ્રામજનોને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી, ડો, કાયનાત અંસારી આથાની સાથે આમ આદમી પાર્ટીના અંજાર તાલુકા પ્રમુખ રવિભાઈ આહીર તથા અંજાર શહેર મહામંત્રી મેહુલભાઈ આહીર ઉપસ્થિત રહ્યા હતા.