નિરોણા મધ્યે સેવા સાધના પ્રેરિત “શ્રી ફુલપીર દાદા પુસ્તકાલય”નો ભવ્ય શુભારંભ

કચ્છ જિલ્લાના નિરોણા ગામ મધ્યે સેવા સાધના પ્રેરિત “શ્રી ફુલપીર દાદા પુસ્તકાલય”નો ભવ્ય શુભારંભ કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો. પાવરપટ્ટી વિસ્તારના કેન્દ્રરૂપ નિરોણા ખાતે આયોજિત આ પ્રસંગે નિરોણા તેમજ આસપાસના ગામોના વાચકો, હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ, આગેવાનો અને પ્રબુદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. નિરોણા જૂથ ગ્રામ પંચાયતના સરપંચશ્રી નરોત્તમભાઈ આહિરે ઉપસ્થિત સૌનું હાર્દિક સ્વાગત કરી પુસ્તકાલય ગામના જ્ઞાન વિસ્તારનું કેન્દ્ર બનશે તેવી આશા વ્યક્ત કરી હતી. વેડહારથી પધારેલા નિવૃત્ત મુખ્ય શિક્ષક મહેરોજી સોઢાએ પુસ્તકાલય પ્રવૃત્તિનું મહત્વ સમજાવતા જીવનમાં વાંચનની આવશ્યકતા અંગે ઉદાહરણો સાથે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું.
સારસ્વતમ સંચાલિત પુંજાભાઈ આણંદજી હાઇસ્કૂલના આચાર્ય ડૉ. વિષ્ણુભાઈ ચૌધરીએ પુસ્તકાલય પ્રવૃત્તિને બિરદાવી સંસ્થા તરફથી યથાયોગ્ય સહયોગ આપવાની ખાતરી વ્યક્ત કરી હતી.
મુખ્ય વક્તા તરીકે સેવા સાધના ટ્રસ્ટના ખજાનચી તેમજ સંઘના સૌરાષ્ટ્ર પ્રાંત સેવા પ્રમુખ શ્રી નારાણભાઈ વેલાણીએ સેવા સાધના દ્વારા ચાલી રહેલી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી સાથે વિદ્યાર્થીઓને જીવનમાં કોઈપણ ક્ષેત્રમાં આગળ વધવા માટે પુસ્તક વાંચનની અનિવાર્યતા પર ભાર મૂક્યો હતો. તેમણે નિરોણા ગામના વિદ્યાર્થીઓ, યુવાનો અને વડીલો નિયમિત રીતે વાંચન મંદિરમાં જોડાઈ પુસ્તક દેવનું પૂજન, અર્થાત્ જ્ઞાનવૃદ્ધિ કરે તેવી હાકલ સાથે ભવિષ્યમાં દરેક પ્રકારના સહયોગની ખાત્રી આપી હતી.
NRI યુવા દાતા શ્રી જયન કિશોર હાલાઈ (ગામ-ગોડપર, હાલે લંડન) હસ્તે તેમના નાના પ્રેમજીભાઈ ભંડેરી (રામપર-વેકરા) “શ્રી ફુલપીર દાદા પુસ્તકાલય”ના મુખ્ય દાતા રહ્યા હતા. નારાણભાઈ વેલાણીએ દાતા પરિવાર પ્રત્યે કૃતજ્ઞતા ભાવ સાથે આભાર વ્યક્ત કર્યો હતો.
પાવરપટ્ટી કચ્છમિત્ર બ્યુરો ચીફ બાબુભાઈ માતંગ, હાઇસ્કૂલના આચાર્ય ડૉ વિષ્ણુભાઈ ચૌધરી તેમજ વરિષ્ઠ શિક્ષક અલ્પેશભાઈ જાનીએ પુસ્તકાલયને ફૂલ નહી તો ફુલની પાંખડી રુપ પુસ્તકો ભેટ આપી અન્યોને જન્મ દિવસ કે શુભ પ્રસંગોએ પુસ્તકોની ભેટ આપવા પ્રેરિત કરેલ હતા.
કાર્યક્રમમાં શાંતિલાલ ઠક્કર, નિરોણા વેપારી મંડળના પ્રમુખ કનૈયાલાલ ભાનુશાલી, સેવા સાધનાના સભ્ય જયસુખભાઈ માણેક, પત્રકાર રમેશભાઈ મહેશ્વરી, રમેશભાઈ આહીર, શામજીભાઈ મહેશ્વરી તથા વિમલભાઈ ભાનુશાલી સહિત વિસ્તારના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિરોણા હાઇસ્કૂલના ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા સમગ્ર શાળા પરિવારે ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી. ભુજથી સંઘના મુખ્ય કાર્યકર્તાઓ પણ કાર્યક્રમમાં જોડાયા હતા. નિરોણાના સ્વયંસેવકોએ પુસ્તકાલયની વ્યવસ્થા અને સમગ્ર આયોજનમાં અગત્યની ભૂમિકા ભજવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સુવ્યવસ્થિત સંચાલન મોહનભાઈ માતાએ કર્યું હતું. પુસ્તકાલયના શુભારંભ સાથે નિરોણા ગામમાં જ્ઞાનપ્રેરિત અને વાંચન સંસ્કૃતિના સશક્ત અધ્યાયનો પ્રારંભ થયો હોવાનું ઉપસ્થિતોએ જણાવ્યું હતું.