પૂર્વ કચ્છમાં એકમાત્ર સાયન્સ કોલેજ તોલાણી આર્ટસ & સાયન્સ કોલેજમાં B.Sc. ના જરૂરિયાત આધારિત વર્ગો ચલાવવા જિલ્લા કોંગ્રેસ મંત્રી ગોવિંદ દાનીચાએ શિક્ષણમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. તેઓએ વિસ્તૃતમાં જણાવયું છે કે કચ્છમાં વર્ષ 2013-14 થી B.Sc. તરફ વિદ્યાર્થીઓનો ઘસારો વધ્યો છે. તે સમયે કચ્છમાં ફક્ત બે સાયન્સ કોલેજો હતી. જેમાં લાલન કોલેજ સરકારી તેમજ તોલાણી આર્ટસ & સાયન્સ કોલેજ આદિપુર ગ્રાન્ટેડ હતી. આ બંન્ને કોલેજોએ તેમની બેઠકોની ક્ષમતાથી વધારે પ્રવેશ આપેલ. જેના કારણે ગુણવત્તા સ્થાપિત થતી ન હતી. વિદ્યાર્થીઓના સાયન્સ તરફ વધતા ઘસારાને પહોંચી વળવા પશ્ચિમ કચ્છમાં બે સ્વનિર્ભર કોલેજો સહજાનંદ ગર્લ્સ કોલેજ, ભુજ અને એચ. જે. ડી. કેરામાં શરૂ થઈ. પૂર્વ કચ્છમાં 150 બેઠક સામે 500 આવેદનો આવતા વિદ્યાર્થીઓએ તોલાણી કોલેજ આદિપુરમાં જરૂરિયાત આધારીત વર્ગો શરૂ કરવા કચ્છ યુનિવર્સિટી પાસે માંગ કરેલ. જેને ધ્યાને લઇ વર્ષ 2016 થી આ વર્ગો બપોરના સમયે શરૂ કરવામાં આવ્યા. વર્તમાન સમયમાં કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તેમજ રજિસ્ટ્રાર કાયમી ન હોવાના કારણે આ વર્ગો ચાલુ રાખવા કે નહીં તે અવઢવમાં યુનિવર્સિટીએ કોલેજને લેખિત કે મૌખિક આદેશ આપેલ નથી. જેથી 350 જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહે છે. સંસ્થાએ વિદ્યાર્થીઓના હિતમાં કચ્છ યુનિવર્સિટીને રજૂઆત કરી આ સીટોની સંખ્યા 162 માંથી 230 કરાવી છે. તે ઉપરાંત એ- ગૃપમાં સ્વનિર્ભર વર્ગોના અભાવે 50 અને અન્ય બી- ગૃપમાં 150 વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહે છે. જેમાં 70% વિદ્યાર્થીનીઓ છે. જેમને કચ્છ બહાર અભ્યાસ કરવા પરવાનગી નથી અને કાં તો ત્યા જવા માટે ઘરની પરિસ્થિતિ નથી. જેથી વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં લઇ કચ્છ યુનિવર્સિટી દ્વારા કોલેજ ને આ વર્ગો માટે પરવાનગી આપવામાં આવે અને જો જરૂર પડે તો સરકારે આ માટે તાત્કાલીક મંજુરી આપવી જોઇએ જેથી વિદ્યાર્થીઓના ભવિષ્ય અંધકારમાં ન ધકેલાયા તેવી શિક્ષણમંત્રીને ભાર પૂર્વક રજૂઆત કરાઇ છે.