તાલુકાના બાલાસરથી દેશલપર જતા રોડ પર ખારી નદી પાસેથી પોલીસે પીજીવીસીએલના કેબલની ચોરી કરનાર કોન્ટ્રાકટરના મજૂરોને ઝડપી પાડ્યા હતા. રૂ. ૧૦૪૦૪૦ના ચોરાયેલા કેબલની ઘટનાનો ભેદ પોલીસે કલાકોમાં જ ઉકેલી લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ બાલાસર પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.ડી. ગોજીયા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન ખાનગી રાહે મળેલી બાતમીને આધારે પીજીવીસીએલના કેબલની ચોરીનો ભેદ ઉકેલાયો હતો. ગત બીજી તારીખે ઈલેકટ્રીક વાયરોની થયેલી ચોરીની ઘટનાનો ગુનો નોંધાયો હતો, જેમાં અજાણ્યા ઈસમો સામે ફરિયાદ થઈ હતી. ઘટના બાદ પોલીસે બાતમીના આધારે બાલાસર દેશલપર રોડ પર ખારી નદી પાસે વોચ ગોઠવી હતી અને આરોપીઓ બાબુભાઈ ખાંટ (ઉ.વ. ૩૫), પુનાભાઈ પ્રતાપભાઈ ખાંટ (ઉ.વ. ૩૦) તેમજ ભલાભાઈ શંકરભાઈ ખાંટ (ઉ.વ. ૧૯) (રહે તમામ મૂળ ખુદરા, તા. મોરવા, જિ. પંચમહાલ) વાળાને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ ટ્રેકટરમાં કેબલ ભરીને રાપર તરફ જતા હતા. ર્ર. ૧ લાખ ૪ હજારના ૩૬૦૦ મીટરનો કેબલ રિકવર કરાયો હતો. આ કામગીરીમાં પીએસઆઈ આર.ડી. ગોજીયા સાથે હેડકોન્સ. હિતેન્દ્ર પ્રજાપતિ,અમરશી મોરી, કોન્સ્ટેબલ શિરીષભાઈ, કિરણભાઈ, વિક્રમભાઈ, દિનેશભાઈ સહિતના જોડાયા હતા.