મેદસ્વિતા મુક્તિ તથા તંદુરસ્તીની વૃદ્ધિ માટે બાજરો ‘સુપર ફૂડ’ સમાન

‘‘રોટલો ખાઈને રોજ રળે, બાજરો ખાઈને બળ મળે’’ – આ કહેવત બાજરાનું મહત્ત્વ દર્શાવે છે. એક સમય હતો કે, લોકોની થાળીમાં બાજરા-બાજરીનો રોટલો અચૂક જોવા મળતો, પરંતુ હવે આ ધાન્ય થાળીમાં ઓછું જોવા મળે છે. બદલાયેલી લાઇફસ્ટાઇલ, જંકફૂડ સહિતના કારણે મેદસ્વિતાનું પ્રમાણ વધતું જોવા મળે છે, ત્યારે બાજરો મેદસ્વિતાથી મુક્ત થવા માટે ‘સુપર ફૂડ’ સમાન છે.

            રાજ્યના નાગરિકો મેદસ્વિતા મુક્ત બનીને તંદુરસ્ત રહે તે માટે ગુજરાત સરકારે ‘મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાન’ શરૂ કર્યું છે. જે અંતર્ગત, સ્વાસ્થ્યવર્ધક જીવનશૈલી અપનાવવા પર ભાર મૂકવામાં આવે છે. સ્વાસ્થ્યમાં આહારની મહત્ત્વની ભૂમિકા છે અને આરોગ્ય નિષ્ણાતો તંદુરસ્તીના જતન માટે બાજરા-બાજરીને સર્વોત્તમ આહાર ગણાવે છે.

            ભારતીય શ્રીઅન્ન અનુસંધાન સંસ્થાન (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મિલેટ્સ રિસર્ચ)ના અહેવાલ મુજબ, બાજરી માત્ર એક અનાજ નથી, પણ પ્રકૃતિ દ્વારા અપાયેલું એક ઔષધ છે. તે ફાઇબર, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે.

            નિષ્ણાતો બાજરીને ‘બરછટ અનાજ’ (Millet) કહે છે, જે શરીરને આંતરિક ગરમી આપવાની સાથે અનેક ગંભીર બીમારીઓ સામે રક્ષણ આપે છે.

            મેદસ્વિતા ઘટાડવામાં બાજરી નોંધપાત્ર રીતે અસર કરે છે. તેના મુખ્ય બે કારણો છે: (૧) બાજરીમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે, પરિણામે વારંવાર ખાવાની આદત (Overeating) છૂટે છે. (૨) બાજરીમાં રહેલા જટિલ કાર્બોહાઇડ્રેટ્સ શરીરમાં ધીમે-ધીમે એનર્જી મુક્ત કરે છે, જે વજન ઘટાડવામાં કુદરતી રીતે મદદરૂપ થાય છે.

            બાજરીના સેવનથી મેદસ્વિતા તો ઘટે જ છે, સાથે શરીરના અન્ય અંગોને પણ અનેક લાભ થાય છે. બાજરી શરીરમાંથી ઝેરી તત્ત્વો (Toxins) દૂર કરવામાં મદદ કરે છે. તે કબજિયાત, ગેસ, એસિડિટી અને સોજા જેવી સમસ્યાઓ નિવારે છે. તે પાચનતંત્રમાં ‘પ્રિબાયોટિક’ તરીકે કામ કરી સારા બેક્ટેરિયા વધારે છે. બાજરીમાં રહેલું નિયાસિન (વિટામિન B3) કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. પોટેશિયમ અને ફાઇબર બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી હૃદયરોગના જોખમને ઘટાડે છે. બાજરીનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોવાથી ડાયાબિટીસ ટાઇપ-૨ ના દર્દીઓ માટે તે આશીર્વાદરૂપ છે. સંશોધનો મુજબ, તે સ્તન કેન્સર અને પેટના કેન્સર (જઠરાંત્રિય જોખમો) સામે રક્ષણ આપે છે. કેલ્શિયમ અને ફોસ્ફરસથી ભરપૂર બાજરી સાંધાના દુખાવા દૂર કરી હાડકાંને મજબૂત બનાવે છે. બાજરી કુદરતી રીતે ગ્લુટેન મુક્ત અને એસિડ વિરોધી (Alkaline) ગુણો ધરાવે છે, જે શરીરના આંતરિક વાતાવરણને સંતુલિત રાખે છે. તે અસ્થમાના દર્દીઓ માટે ફાયદાકારક છે અને કિડની તેમજ લિવરની કાર્યક્ષમતામાં સુધારો કરે છે.

            શરીરને બળશાળી અને મેદસ્વિતામુક્ત બનાવવા મેંદા અને પ્રોસેસ્ડ ફૂડનો ત્યાગ કરીને થાળીમાં બાજરાના રોટલાને સ્થાન આપવું પડશે. આ પરિવર્તન આપણને દીર્ઘાયુ અને નિરોગી બનાવશે, તેવો અભિપ્રાય આહાર નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.