ભુજ ખાતે જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહનના અધ્યક્ષપદે મળેલી જિલ્લા અછત સમિતિની બેઠકમાં કચ્છમાં પૂરતો વરસાદ ન પડે ત્યાં સુધી ઢોરવાડા, ઘાસડેપો ચાલુ રાખવા ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી સહિતના સભ્યો દ્વારા કેટલ કેમ્પ, ઘાસડેપો ચાલુ રાખવા કરાયેલી રજૂઆતના સંદર્ભમાં જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહને ૧૨૫ મી.મી. વરસાદ ન પડે ત્યાં સુધી કેટલકેમ્પ, ઘાસડેપો ચાલુ રાખવા રાજય સરકારનો પરિપત્ર આવી ગયો હોવાનું જણાવ્યું હતું. કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં આજે મળેલી જિલ્લા અછત સમિતિની બેઠકમાં ઉપસ્થિત જિલ્લા પંચાયતના અધ્યક્ષ લક્ષ્મણસિંહ સોઢા, ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના પૂર્વાધ્યક્ષ જીવાભાઈ શેઠ, વલમજીભાઈ હુંબલ સહિતના સભ્યોએ જિલ્લાના પદાધિકારીઓએ કેન્દ્ર સરકાર દ્વારા જળશક્તિ અભિયાન અંતર્ગત ગુજરાતના પાંચ જિલ્લામાં કચ્છનો સમાવેશ કરવામાં આવતાં કચ્છ માટે મહત્વના આ અભિયાનને પૂરજોશથી ઉપાડી લેવાની તત્પરતા બતાવી તંત્રને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી પદાધિકારીઓએ અમૂલ્ય સૂચનો પણ કર્યાં હતા અને એન.જી.ઓ. સાથે લોકભાગીદારીથી અભિયાનને વ્યાપક બનાવવા જણાવ્યું હતું. જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહન દ્વારા કચ્છમાં ઘાસચારા સ્વાયતતા તથા ગૌચર સંરક્ષણ કામગીરી કરવાની થતી હોવાનું જણાવતાં ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય સહિતના પદાધિકારીઓએ અપૂરતા વરસાદને કારણે અવાર-નવાર કચ્છમાં અછતનો સામનો કરવો પડતો હોઇ, વિશાળ પશુધનને ધ્યાનમાં લઇ કચ્છને ઘાસચારાના વાવેતરમાં સ્વાયતતા કેળવવી જરૂરી હોવાનું જણાવી તમામ ગૌચર જમીનના સંરક્ષણ સાથે ઘાસચારા વાવેતરને જનભાગીદારીથી તાલુકાદીઠ બે કલસ્ટરમાં એનજીઓ અને ગ્રામ પંચાયતને સાથે રાખી સમગ્ર મોડેલરૂપ કામગીરી કરાય તે માટે સાથ-સહકાર આપવા સાથે કામગીરીમાં આગળ ધપવા પણ સૂચનો કરાયાં હતા.ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યે શહેરી વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા એજન્સીને સાથે રાખી ઘરો-ઘર પાણીના ટાંકા ઓવરફલો ન થાય તે માટે ટાંકાના નળ સાથે બોલવાલ્વ નાખવાની કામગીરી કરવાનું સૂચન પણ કર્યું હતું.