કમોસમી વરસાદ(માવઠા)ને કારણે કચ્છમાં થયેલ નુકશાનના વળતર અંગે રજૂઆત કરાઈ

જય ભારત સાથે જણાવતાનું કે, ગત તા.૧૮મી માર્ચના મધ્યરાત્રીએ કચ્છના વાતાવરણમાં આવેલા અચાનક ભયાનક પલ્ટાએ સમગ્ર કચ્છ જીલ્લાને બાનમાં લીધો હતો. અને અતિ પ્રચંડ અને વેધક ગતિએ ફેકાયેલા પવને જાણે કુદરતનો પ્રકોપ ઉતર્યો હોય તેમ કચ્છમાં અનેક જગ્યાએ ગરીબ પરીવારના આશરા સમાન ઘરના પતરા કાગળની જેમ હવામાં ઉડી ગયા છે. અને અનેક ગરીબ પરિવારો લાચાર અને વિવશ બનેલ છે. અને સૌથી વધુ નુકશાન જગતના તાત ખેડુતોને થયો છે. હાલ ખેડુતોના ખેતરોમાં ઘઉં,જીરૂ,એરંડા-રાયડો,વરીયાળી,જેવા પાકો અને દાડમ, આંબા,નાળીયેરી, શકરટેટી સહિત બાગાયતી પાકોને મોટા પ્રમાણમાં નુકશાન થયેલ છે. અને ઘઉં,જીરૂ,એરંડા,રાયડા,વરીયાળી જેવા આ માવઠા અને પવનના કારણે જમીન દોસ્ત થઇ ગયેલ છે. અને લખપતથી રાપર(વાગડ) સુધી ખેડુતોના મોઢે આવેલો કોડીયો કુદરતે છીનવી લીધો છે.

તેમજ નારાયણ સરોવર સહિતના બંદર પર ગરીબ માછીમારોને ખુબ જ નુકશાન થયેલ છે. અને બંદર પર લાંગરવામાં આવેલ બોટોને ખુબ જ નુકશાન થયેલ છે. જેમાં કેટલીક બોટો આ ભયાનક તોફાનના કારણે સમગ્ર નુકશાન પામેલ તેમજ કેટલીક બોટોને નુકશાન થયેલ છે. જેનાથી માછીમારો પર વિકટ સંકટ આવી ગયુ છે. અને ગરીબ માછીમારોના પરિવારો રોજીરોટી વિહોણા થયા છે. તેમજ અનેક જગ્યાએ આ તોફાનના કારણે વિજપોલ, વૃક્ષો-ટાવર જમીનદોસ્ત થઇ ગયેલ છે. અને અનેક રસ્તાઓ પણ બંધ થઇ ગયેલ છે.

ત્યારે લખપત તાલુકા સહિત સમગ્ર કચ્છમાં ખેડુતોને ખુબ જ નુકશાન થયેલ છે. તેમજ અનેક ગરીબ પરિવારોના મકાનના છાપરા ઉડી ગયેલ છે. અને માછીમારો ને પણ ખુબ જ નુકશાન થયેલ છે. ત્યારે સરકારશ્રી દ્વારા તાત્કાલિક યુધ્ધના ધોરણે મુખ્યમંત્રી રાહત ફંડ કે આપતિ વ્યવસ્થા વિભાગ તરફથી તાત્કાલિક કચ્છના લોકો, ખેડુત-માછીમારો સહિત ગરીબ લોકોને સહાય મળવા વિનંતી છે.