ટુંડા-કચ્છ ખાતે ‘વિશ્વ વન દિવસ’ નિમિત્તે અદાણી ફાઉન્ડેશન દ્વારા ૧૦,૦૦૦ વૃક્ષોનું ભવ્ય વાવેતર: પર્યાવરણ અને કોમી એકતાનો ત્રિવેણી સંગમ

ટુંડા (કચ્છ): પ્રકૃતિના જતન અને સંવર્ધનના સંકલ્પ સાથે આજે વિશ્વ વન દિવસ નિમિત્તે અદાણી ફાઉન્ડેશન દ્વારા કચ્છના ટુંડા ગામ મધ્યે ૧૦,૦૦૦ વૃક્ષોના વાવેતરનો સ્તુત્ય કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત અદાણી ફાઉન્ડેશન મુંદરાના CSR હેડ કિશોરભાઈ ચાવડા, કરશનભાઈ ગઢવી, વિજયભાઈ ચૌહાણ, મધુભાઈ ભાદરકા તેમજ પ્રીતિબેન કારેલીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કિશોરભાઈ ચાવડાએ ટુંડા ગામના સહકારની સરાહના કરતા જણાવ્યું હતું કે, અદાણી ફાઉન્ડેશન આગામી સમયમાં પણ ગામના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે અને લોકસહકારથી હજી વધુ વિકાસલક્ષી કાર્યો હાથ ધરવામાં આવશે. આ પ્રસંગે ટુંડા ગ્રામ પંચાયતના સભ્યો, ગામના આગેવાનો અને માતા-બહેનોએ બહોળી સંખ્યામાં જોડાઈને પર્યાવરણના આ મહાકુંભને દીપાવ્યો હતો.
આ કાર્યક્રમ માત્ર પર્યાવરણ જ નહિ, પણ કોમી એકતાનો સાક્ષી પણ બન્યો હતો. કરશનભાઈ ગઢવીએ ખાસ નોંધ્યું હતું કે આજે વિશ્વ વન દિવસની સાથે મુસ્લિમ સમાજનો પવિત્ર તહેવાર ‘રમઝાન ઈદ’ પણ છે, ત્યારે મુસ્લિમ બિરાદરોએ પણ આ હરિયાળી ક્રાંતિમાં ખભેખભા મિલાવીને ભાગ લીધો તે ખૂબ જ ગૌરવની વાત છે. આ પરસ્પર ભાઈચારા બદલ તેમણે મુસ્લિમ સમાજ અને સમગ્ર ટુંડા ગામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. ૧૦,૦૦૦ વૃક્ષોના આ વાવેતરથી ટુંડાની સીમ ટૂંક સમયમાં નંદનવન બની જશે, જ્યાં ઘટાદાર વૃક્ષોની શીતળ છાયામાં પક્ષીઓનો મધુર કલરવ ગુંજશે અને અનેક પંખીડાઓ પોતાના સુરક્ષિત માળા બાંધી શકશે. વૃક્ષો એ માત્ર લાકડું નથી, પણ ધરતીના ફેફસાં છે; જે પ્રદૂષણ ઘટાડીને આવનારી પેઢીને શુદ્ધ હવા અને પાણી પૂરા પાડશે. આમ, ટુંડા ગામે આજે પ્રકૃતિ પ્રેમ અને સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે એવુ મયુર મહેશ્વરી ની યાદી જણાવે છે.