આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ટીમ ભાજપ તૈયાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગું ગમે ત્યારે વાગી શકે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી જ આગોતરી તૈયારી આરંભી દીધી છે.

જિલ્લા ભાજપ કર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ દેવજીભાઈ વરચંદની અધ્યક્ષતામાં અને જિલ્લા ભાજપ પ્રભારી ફલજીભાઈ ચૌધરી તેમજ રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગાની ખાસ ઉપસ્થિતિમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે આગામી કાર્યક્રમો અંગે જિલ્લા ભાજપની અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા ભાજપ દ્વારા આગામી 5 એપ્રિલના સમગ્ર રાજ્યમાં ઘર ઘર જઈ વિકાસલક્ષી કામોની માહિતી પત્રિકાનું વિતરણ કરવામાં આવશે, આ ઉપરાંત તા. 6 એપ્રિલના ભાજપના સ્થાપના દિવસ નિમિતે સિનિયર કાર્યકર્તાઓના ઘરે ધ્વજ લગાવવા,આગામી મન કી બાત ટિફિન કે સાથ કરવા સહિતના વિવિધ કાર્યક્રમો પણ કરવામાં આવશે.

જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે આગામી મન કી બાત, ટિફિન બેઠકો, સંપર્ક અભિયાન, સ્થાપના દિન સહિતના કાર્યક્રમોમાં વધુમાં વધુ લોકો ને જોડવા જણાવ્યું હતું તો આગામી ચૂંટણીઓમાં વિજય ધ્વજ લહેરાવવા માટે ટીમ ભાજપ સંપૂર્ણ તૈયાર હોવાનું જણાવ્યું હતું.

જિલ્લા ભાજપના પ્રભારી ફલજીભાઈ ચૌધરીએ ખાસ ઉપસ્થિત રહી આગામી દિવસોમાં મન કી બાત ટિફિન કે સાથ, ઘર ઘર સંપર્ક અભિયાન તેમજ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસના કાર્યક્રમો સારી રીતે થાય તે માટે સૌ હોદેદારો કાર્યકરો ને ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું. સાથે સાથે આગામી સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી માટે સતત લોકો સાથે સંપર્કમાં રહી વધુમાં વધુ બેઠકો કબ્જે કરવા જણાવ્યું હતું.

રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઇ છાંગાએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે રાજ્ય અને કેન્દ્ર સરકાર ના કરોડોના વિકાસકામો નું ભાથું આપણી પાસે છે ત્યારે તેનો લાભ લઇ આગામી ચૂંટણીઓમાં પાર્ટી દ્વારા જેને જેને જે જે કામગીરી સોંપવામાં આવે તે પોતાની જવાબદારી સમજી પાર્ટી માટે કામ કરે અને એકસંપ થઇ ફરીથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કમળ સોળે કલા એ ખીલે એ આપણી સૌની જવાબદારી છે.

અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પોતાની આગવી શૈલીમાં બધા હોદેદારો કાર્યકરોને ચૂંટણી માટે તૈયાર થઇ જવા જણાવ્યું હતું.

મન કી બાત ના જિલ્લા ઇન્ચાર્જ પ્રફુલસિંહ જાડેજા એ આગામી મન કી બાત માટે વિગતવાર માહિતી આપી હતી. ચૂંટણી વ્યવસ્થા સમિતિ ના ઇન્ચાર્જ વિકાસભાઈ રાજગોરે આગામી ચૂંટણી માટે કરવાનાં કાર્યક્રમો અંગે માહિતી પુરી પાડી હતી.

બેઠકમાં પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી તથા જિલ્લા ભાજપના હોદેદારો,પ્રભારીઓ, તમામ મોરચાના પ્રમુખ મહામંત્રીઓ, મંડળના પ્રમુખ મહામંત્રીઓ સહિત અપેક્ષિત શ્રેણીના આગેવાનો હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક ની શરૂઆત માં સ્વાગત પ્રવચન જિલ્લા ભાજપના મહામંત્રી ધવલભાઈ આચાર્યએ કર્યું હતું. તો સંચાલન અને આભારવિધિ ક્રમશ જિલ્લા ભાજપના મહામંત્રી હિતેષભાઇ ખંડોર અને ભીમજીભાઈ જોધાણી એ કરી હોવાનું કચ્છ જિલ્લા ભાજપના મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી તેમજ સહ ઇન્ચાર્જ ચેતનભાઈ કતીરા ની યાદીમાં જણાવાયું હતું.